વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
‘રન ફોર યુનિટી’ માર્ચને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા.
રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું સમગ્ર ભુજ શહેર : ‘રન ફોર યુનિટી’માં પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા.
ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ,પ્રભારી સચિવ આનંદ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા,પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
ભુજ,તા-૩૧ ઓક્ટોબર : અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તેમજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંદેશ સાથે ‘રન ફોર યુનિટી’ માર્ચનું વિશાળ આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામયી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,પ્રભારી સચિવ આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત મહાનુભાવોએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી રન ફોર યુનિટીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં સહભાગી થઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો.રાજ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશને અપનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું.રાજ્યમંત્રીએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનમાં સહભાગી થઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. રાજ્યમંત્રી કાંતિભાઈએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપીને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા જણાવ્યું હતું.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે સરદાર સાહેબના જીવન કવન વિશે વાત કરીને તેમને વંદન કરતાં જણાવ્યું હતું કે,દેશની અખંડિતતા સરદાર વલ્લભભાઈ પટેલના કુનેહના લીધે શક્ય બની છે. એક ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશે ધારાસભ્યએ ખ્યાલ આપ્યો હતો.રન ફોર યુનિટી ભુજ જ્યુબિલિ ગ્રાઉન્ડથી ટાઉનહોલ સર્કલ,આલ્ફ્રેડ સર્કલ,લેક વ્યુ હોટલ સર્કલ,મંગલમ ચાર રસ્તા, કલેક્ટર કચેરી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈને પરત ભુજ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ પર ખાતે દેશભક્તિના નારાઓ સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશપ્રેમના આ અનેરા મહોત્સવ સમાન ‘રન ફોર યુનિટી’ માર્ચમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ઉપસ્થિત તમામ મહાનુભાવો,અધિકારીઓ અને નાગરિકોએ સામૂહિક રીતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના શપથ લીધા હતા.રન ફોર યુનિટીનું સત્તાવાર રીતે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સમાપન થયું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ આધુનિક ભારતના ઇતિહાસમાં લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અદ્વિતીય અને સદાકાળ અવિસ્મરણીય રહેશે તેમ જણાવી ને આઝાદીના સમયે જટિલ પરિસ્થિતિઓ વચ્ચે દેશના ૫૬૨ જેટલા દેશી રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણ દરમિયાન સરદાર પટેલના અજોડ કુનેહ,પ્રખર રાષ્ટ્રભક્તિ અને વહીવટી દીર્ઘદ્રષ્ટિને વંદનીય ગણાવી હતી.આ રન ફોર યુનિટીમાં મુન્દ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન,વન સંરક્ષક ધીરજ મિત્તલ, ઈન્ડિયન આર્મીના લેફ્ટેનન્ટ કર્નલ વી.કે.સિંઘ,ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ,નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પારસ વિઠાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અનીલ ગોસ્વામી,ભુજ પ્રાંત અધિકારી મહેશ નાકિયા,નાયબ વન સંરક્ષક જે.આર.પટેલ,અગ્રણી હિતેશભાઈ ખંડોલ,ભીમજીભાઈ જોધાણી,બિંદિયાબેન ઠક્કર,મીતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી,પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ, કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફગણ,ભારતીય વાયુસેના અને આર્મીના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.











