તા.17/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMC ટીમે બલદાણા પાટિયા પાસે પાડ્યા દરોડા: સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી SMC ટીમે બલદાણા પાટિયા પાસે પાડ્યા દરોડા: સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક મોટું ઓપરેશન પાર પાડીને પરપ્રાંતિય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SMCના પીઆઇ ડી. એચ. રાઠોડ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે બલદાણા ગામના પાટીયા નજીક દરોડો પાડીને રમકડાંની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. આ ચોંકાવનારી કાર્યવાહીમાં સ્થાનિક વઢવાણ પોલીસને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવતા જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર SMCની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સાયલા-લીંબડી હાઈવે પરથી એક કન્ટેનર ટ્રકમાં મોટો દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ માહિતીના આધારે SMCની ટીમે બલદાણા પાટિયા નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. બાદમાં કન્ટેનર ખોલીને તલાશી લેતાં ઉપરના ભાગે રમકડાંના બોક્સ ગોઠવાયેલા જોવા મળ્યા હતા. પરંતુ કન્ટેનરના પાછળના અને નીચેના ભાગેથી વિદેશી દારૂની અંદાજે ૮૦૦ જેટલી પેટીઓ મળી આવતા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. SMC ટીમે સ્થળ પરથી જ કન્ટેનર ટ્રક તથા દારૂનો જંગી જથ્થો કબ્જે કરીને બે આરોપીઓની અટકાયત કરી છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ એટલી મોટી માત્રામાં હતો કે જ્યારે SMCની ટીમ આ જથ્થો વઢવાણ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો ત્યારે આખું પોલીસ મથક દારૂની પેટીઓથી ભરાઈ ગયું હતું. હાલ SMC દ્વારા અટકાયત કરાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો અને સુરેન્દ્રનગરમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગેના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય. સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકાની સોય ગાંધીનગર SMCની આ ગુપ્ત રેડને કારણે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસના નાક નીચેથી જ હાઇવે પરથી જંગી માત્રામાં દારૂ ઘૂસી જતાં વઢવાણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્ક્રિયતા કે સંડોવણી સામે શંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ ઉપરી અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસ સામે આકરા પગલાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. સાયલા-લીંબડી નેશનલ હાઈવે, બલદાણા ગામના પાટીયા નજીક કારવાહી કરનાર SMC ના પીઆઇ ડી. એચ. રાઠોડ અને ટીમે અંદાજે ૮૦૦ પેટી વિદેશી દારૂ, કન્ટેનર ટ્રક અને રમકડાંનો જથ્થા સાથે ૨ આરોપીઓ સ્થળ પરથી ઝડપી લીધા હતા દારૂ ક્યાંથી આવ્યો અને કોને મોકલવાનો હતો તે અંગે સ્ટેટ મોનિટરીંગ સેલની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરાઈ હતી.








