MORBI:મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૩ વર્ષીય સગીરા લાપતા: દુકાને ભાગ લેવા ગયા બાદ પરત ન ફરતાં અપહરણની ફરિયાદ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા રહસ્યમય રીતે લાપતા થતાં ચકચાર મચી જવા પામી છે. દુકાને જવાનું કહી નીકળેલી દીકરી પરત ન ફરતાં આખરે પિતાએ અજાણ્યા શખ્સ સામે અપહરણની આશંકા વ્યક્ત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક કારખાનાની કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા ગત તા. ૨૮/૦૮/૨૦૨૬ના રોજ બપોરના સમયે નજીકની દુકાને ભાગ લેવા જવાનું કહીને રૂમ પરથી નીકળી હતી. લાંબો સમય વીતી જવા છતાં તે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.પરિવારજનો દ્વારા કારખાના પરિસર, આસપાસના વિસ્તારો તેમજ સગા-સંબંધીઓમાં સગીરાની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. તમામ પ્રયાસો છતાં ભાળ ન મળતાં કોઈ અજાણ્યો શખ્સ સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ગયો હોવાની આશંકાએ સગીરાના પિતાએ તાલુકા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ (BNS) કલમ ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે












