તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ હાલમાં ગુજરાત પ્રવાસ દરમિયાન કાલોલ શહેરની મુલાકાત લીધી હતી. હિન્દુ એકતા, સુરક્ષા અને ધાર્મિક જાગૃતિના સંકલ્પ સાથે યોજાયેલી આ બેઠકમાં તેમણે સ્થાનિક હિન્દુ સમાજને સંગઠિત થવા માટે વિશેષ હાકલ કરી હતી.
બેઠક દરમિયાન ડૉ. તોગડિયાએ જણાવ્યું હતું કે, દરેક ગલી, સોસાયટી અને ગામડાના સ્તરે હિન્દુ નાગરિકોમાં એકજૂથતા કેળવાય તે સમયની માંગ છે. નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી તેમણે દર શનિવારે નિયમિત ‘હનુમાન ચાલીસા કેન્દ્રો’ શરૂ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.આ ઉપરાંત, આગામી વિજયાદશમી (દશેરા)ના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ જ્ઞાતિના હિન્દુઓ પોતપોતાના ઘરમાં પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરે અને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત બને તેવી અપીલ પણ તેમણે કરી હતી. સનાતન ધર્મના સંરક્ષણ, રાષ્ટ્રહિત તેમજ હિન્દુ સમાજની આર્થિક અને સામાજિક સુરક્ષા અંગે તેમણે ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ સંદર્ભે તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ બાળકો પાસે ભગવાનના ચિત્રો દોરાવે જેથી તેમનામાં સર્જનાત્મકતા વધવાની સાથે ધાર્મિક ભાવના પણ દ્રઢ થાય.











