રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૧૦.૨૦૨૬
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી આજે પંચમહાલ જિલ્લાના હાલોલ APMC ખાતે તાલુકા કક્ષાના ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આશરે ૧૦૦ જેટલા વેચાણ કેન્દ્રોના પ્રારંભ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.પંચમહાલ જિલ્લામાં અન્ય ૧૧ કાયમી પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે. જેમાં ગોધરા ખાતે ૦૪, હાલોલ ખાતે ૦૨, શહેરા ખાતે ૦૧, મોરવા (હ) ખાતે ૦૧, કાલોલ ખાતે ૦૧, ઘોઘંબા ખાતે ૦૧ અને જાંબુઘોડા ખાતે ૦૧ કેન્દ્રનો સમાવેશ થાય છે. આ તમામ કેન્દ્રો તૈયાર થતાં જ ખેડૂતો માટે ખુલ્લા મુકાશે.અત્રે ઉલ્લેખનીય છેકે,પ્રાકૃતિક કૃષિ એ જમીનનું સ્વાસ્થ્ય, પાણીનું સંરક્ષણ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવાની એક સમગ્ર વિચારધારા છે. બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પાંચ આયામો અપનાવીને ખેડૂતો સ્થાનિક સંસાધનોથી જ ખાતર-ઇનપુટ્સ તૈયાર કરી શકે છે, જેથી બહારથી ખરીદી કરવાનો ખર્ચ ઘટે છે.ઉત્પાદનથી બજાર સુધીની સમગ્ર ‘Value Chain’ ને મજબૂત કરવાના લક્ષ્ય સાથે આ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી ગ્રાહકોને ગુણવત્તાસભર પેદાશ મળે અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે ગુજરાતની કૃષિ વધુ આધુનિક તથા ટકાઉ બને.આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, GNFSU હાલોલના વાઇસ ચાન્સેલર ડો. એસ. કે. ટાંબડીયા, પ્રાંત અધિકારી જે.ડી. પટેલ, પંચમહાલ જિલ્લા રજિસ્ટ્રાર દિનેશ ચૌધરી, APMC હાલોલના ચેરમેન નારાયણભાઈ રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જે. પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહિપાલસિંહ જાદવ તેમજ APMCના ડિરેક્ટરઓ, સંગઠનના હોદ્દેદારો, ખેતીવાડી ખાતાના ગ્રામસેવકો, આત્મા પ્રોજેક્ટના સ્ટાફ અને ગુ.રા.પ્રા.કૃ.વિ. બોર્ડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










