તા.05/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક વન્ય પ્રાણીઓની અવરજવર વધતાં ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. દરમિયાન થાનગઢના ગુગલીયાણા ગામે દીપડાએ એક પશુપાલકની વાછરડીનો શિકાર બનાવતાં સમગ્ર પંથકમાં ભારે સળવળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, ગુગલીયાણા ગામના વતની અને પશુપાલક ભુપતભાઈ ગગજીભાઈ સારલાની વાછરડી પર દીપડા જેવા હિંસક પ્રાણીએ ત્રાટકીને તેનું મારણ કર્યું હતું. વહેલી સવારે વાછરડીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતાં પશુપાલક સહિત ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. સીમ અને રહેણાંક વિસ્તારની નજીક બનેલી આ ઘટનાથી પશુપાલકોમાં પોતાના માલ-ઢોરની સલામતીને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ બનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓએ પશુના મૃતદેહનું નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારમાં દીપડાની હાજરીની પુષ્ટિ કરવા માટે પગમાર્ક સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, અવારનવાર વન્ય પ્રાણીઓના આંટાફેરાથી સીમ વિસ્તારમાં ખેતમજૂરી કે રાત્રિના સમયે ચરિયાણ માટે જવું જોખમી બની ગયું છે. વન વિભાગ દ્વારા તાકીદે આ વિસ્તારમાં પાંજરું ગોઠવીને આતંક મચાવતા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.










