વિજાપુર ની શિવ રેસીડેન્સીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરાયુ


ઊંચી ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરાઈ, ૫૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ
વાત્સલયમ સમાચાર 
શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે, ત્યારે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા અને તેમને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રેરિત કરવાના ઉમદા આશય સાથે વિજાપુરની શિવ રેસીડેન્સી સોસાયટી દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી હતી. સોસાયટીમાં ધોરણ ૮થી ૧૨ સુધી અભ્યાસ કરીને ઊંચી ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સોસાયટીના પ્રમુખ તુલસીભાઈ પટેલના હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી તેમને ભવિષ્યમાં પણ વધુ મહેનત અને લગનથી અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સફળતાને સન્માનિત કરવાની આ પહેલથી અન્ય બાળકોને પણ અભ્યાસ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા મળે તેવો આશય વ્યક્ત થયો હતો.
આ ઉપરાંત શિવ રેસીડેન્સી સોસાયટી દ્વારા કેજી-૧થી ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા કુલ ૫૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ થાય અને શિક્ષણ પ્રત્યે તેમનો ઉત્સાહ વધે તે હેતુથી સોસાયટી દ્વારા આ સેવાભાવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
શિવ રેસીડેન્સી સોસાયટી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોસાયટીની આ પહેલ વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો કરવાની સાથે શિક્ષણના મહત્વને ઉજાગર કરતી બની હતી.










