બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
૧૫૨-ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં આવતા ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ તાલુકામાં અનિયમિત અને અપૂરતા વરસાદથી ખેડૂતોનો ઉભો પાક સુકાવા લાગતા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ખેડૂતોની વહારે આવ્યા છે. તેમણે પાણી અને વીજળી મુદ્દે રાજ્ય સરકારના બે મંત્રીઓ ને લેખિત રજૂઆત કરી છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાના ગામોમાં અપુરતો વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાક તુવેર, જુવાર, કપાસ, શેરડી સુકાવાના આરે પહોંચ્યા છે. ખેડૂતોએ બિયારણ, ખાતર અને મહેનત પાછળ મોટો ખર્ચ કર્યો છે. જો આગામી થોડા દિવસોમાં પાકને પૂરતું પાણી અને વીજળી નહીં મળે તો તમામ પાક બળીને ખાખ થઈ જશે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા બે મહત્વની રજૂઆત કરવામાં આવી છે.
વીજળી માટે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, હાલમાં ખેતી વિષયક વીજળી માત્ર ૮ કલાક મળે છે જે અપૂરતી છે. તેને વધારીને દરરોજ ૧૦ કલાક યોગ્ય વોલ્ટેજ સાથે સતત મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. પાણી માટે પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તો ખેડૂતો પોતાના ઉભા પાકને બચાવી અત્યારે કરજણ જળાશયમાંથી શકશે અને આર્થિક પાયમાલી માંથી ઉગરી જશે. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખીને વહેલી તકે સકારાત્મક કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી છે.








