સિનિયર સિટીઝનને પોલીસ તરીકે ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી ઇરાની ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સોનાના દાગીનાની ઠગાઈ કરતી કુખ્યાત “ઇરાની ગેંગ”ના મુખ્ય સૂત્રધારને બીલીમોરા પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ સાથે બીલીમોરા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુના ઉપરાંત મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

પોલીસના જણાવ્યા મુજબ, તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બીલીમોરા-અમલસાડ રોડ પર સ્મશાનભૂમિ સામે એક વૃદ્ધ વ્યક્તિને અજાણ્યા ત્રણ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી લાયસન્સની માંગણી કરી હતી. હાલ ચોરીઓ થઈ રહી હોવાનું જણાવી વૃદ્ધે હાથમાં પહેરેલું સોનાનું બ્રેસલેટ તથા ગળામાં પહેરેલી સોનાની ચેઇન, કુલ કિંમત રૂ. ૩.૫૭ લાખ, કઢાવી પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકાવી હતી.

ત્યારબાદ આરોપીઓએ દાગીના કાગળમાં મૂકવાનું કહી વૃદ્ધની નજર ચૂકવી સોનાના દાગીનાના બદલે કાંકરા ભરેલા કાગળનું પોટલું આપી દાગીનાની ઠગાઈ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

ગુનાનો ભેદ ઉકેલવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી બીલીમોરા પોલીસે ગુનાસ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર શંકાસ્પદ આરોપીઓની વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન મહારાષ્ટ્ર પોલીસ તથા વલસાડ એલ.સી.બી.ના સંકલનમાં રહી ચારોટી ટોલનાકા નજીક હાઇવે પરથી ચોરીના મોપેડ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ઓળખ અસદઉલ્લા ફૈયાઝ ખાન (ઉંમર ૪૭), રહે. આંબેવલી, ઇન્દિરાનગર, રેલવે સ્ટેશન પાસેની ઝૂંપડપટ્ટી, કલ્યાણ, મહારાષ્ટ્ર તરીકે થઈ છે.

પોલીસે આરોપી પાસેથી સુઝુકી કંપનીનું બર્ગમેન મોપેડ નંબર MH-02-GU-8722 કબજે કર્યું હોવાનું જણાવાયું છે. તપાસમાં આરોપી સામે બીલીમોરા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુના ઉપરાંત મહારાષ્ટ્રના વિઠલવાડી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો પણ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે.

આ કેસમાં મમુ સંજય ઇરાની અને તનવીર ઇરાની નામના બે આરોપીઓ હજુ વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પકડાયેલા આરોપી અસદઉલ્લા ફૈયાઝ ખાનનો મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉના ઠગાઈ સહિતના કુલ અનેક ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. સરવૈયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એસ.ડી. કરેણા સહિત બીલીમોરા પોલીસ સ્ટેશનની ટીમ, વલસાડ એલ.સી.બી. ટીમ તથા મહારાષ્ટ્ર પાલઘર-ચારોટી રાફીક પોલીસ સ્ટેશનના કર્મચારીઓના સંકલનથી કરવામાં આવી હતી.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો