મીડિયા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું, રાજપારડી ગરનાળામાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપુરા ફાટક નજીક આવેલા રેલવે ગરનાળાની સમસ્યાને લઈને મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે.






ગરનાળામાં બારેમાસ પાણી ભરાવું, ગંદકી અને દુર્ગંધ તેમજ રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
આ સમસ્યાને લઈને સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી અને પાણીના યોગ્ય નિકાલ સાથે રસ્તાના કાયમી સમારકામની માંગ કરી હતી.
મીડિયા અહેવાલ બાદ સંબંધિત તંત્ર દ્વારા ગરનાળામાં ભરાયેલા પાણીના નિકાલ માટે મશીન મૂકવામાં આવ્યું છે અને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તંત્રની આ કામગીરીથી હાલ પૂરતી લોકોને રાહત મળવાની આશા છે. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે માત્ર પાણી કાઢવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી.
સ્થાનિકોએ ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે, “અગાઉનો જે જૂનો રસ્તો હતો, તેને ફરીથી ચાલુ કરી આપવામાં આવે તો ગરનાળામાંથી પસાર થવાની આ મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે છે.”
હવે જોવાનું એ રહ્યું કે મીડિયા અહેવાલ બાદ શરૂ થયેલી આ કામગીરી માત્ર તાત્કાલિક રાહત પૂરતી રહે છે કે પછી તંત્ર દ્વારા રાજપારડી ગરનાળાની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
ઈરફાન ખત્રી
રાજપારડી








