
સમીર પટેલ, ભરૂચ

વાગરા તાલુકાના પહાજ ગામે ચકચારી વસીમ ઈકબાલ દીવાન હત્યા કેસમાં વાગરા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ. એન. ગોહિલની રાહબરી હેઠળ પોલીસ ટીમે આ ગંભીર ગુનાના મુખ્ય આરોપી આસિફ મહંમદ પટેલને પહાજ ગામના કાછિયા ફળિયા ખાતે ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાછિયા ફળિયા ખાતે રાત્રિ દરમિયાન બનેલી આ હત્યાની ઘટનાને આરોપીએ કઈ રીતે અંજામ આપ્યો હતો અને વસીમ ઈકબાલ દીવાનને કેવી રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો તેની સમગ્ર પ્રક્રિયા આરોપીએ પી.આઈ. એસ. એન. ગોહિલ અને પોલીસ ટીમ સમક્ષ રજૂ કરી હતી.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટનાસ્થળે લાવીને ગુનાની કડીઓ જોડવામાં આવી હતી.
દરમિયાન, કાછિયા ફળિયા ખાતે આરોપીનું રી-કન્સ્ટ્રક્શન જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ બનાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે કુતૂહલ અને રોષ જોવા મળ્યો હતો.
પી.આઈ. એસ. એન. ગોહિલે જણાવ્યું હતું કે, આ કેસમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરવા અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










