
સમીર પટેલ, ભરૂચ

સુરતથી ઝઘડિયા લઈ જવાતો ૧.૮૯૦ કિલો ગાંજો અંકલેશ્વર પાસે ઝડપાયો, SOG પોલીસે રૂ. ૯૪ હજારના ગાંજા અને રિક્ષા સાથે ૩ તસ્કરોને દબોચ્યા
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર આવેલ પરિવાર હોટલ સામેથી રિક્ષામાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહેલા ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ભરૂચ SOG ની ટીમ જ્યારે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુરતનો અસફાક શેખ નામનો શખ્સ પોતાના સાગરીતો સાથે રિક્ષામાં ગાંજાનો જથ્થો ભરી સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ની ટીમે નેશનલ હાઇવે પર પરિવાર હોટલ સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ રિક્ષા આવી પહોંચતા તેને અટકાવીને ડિક્કીની તલાશી લેતા તેમાંથી સેલોટેપ વીંટાળેલા બે પેકેટ મળી આવ્યા હતા, જેમાં રૂ. ૯૪,૦૦૦ ની કિંમતનો ૧.૮૯૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧,૫૦,૦૦૦ ની કિંમતની રિક્ષા, રૂ. ૫૦,૦૦૦ ની રોકડ રકમ અને રૂ. ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩,૦૯,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સુરતના રુસ્તમપુરા, અકબર શહીદ ટેકરા મહોલ્લામાં રહેતા રિક્ષા ચાલક અસફાક મુસ્તાક શેખ, મહમંદ નવાબ મહમંદ હાસીમ અન્સારી અને શરીફશા ગનીશા દીવાનની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો અસફાક શેખ સુરતના અશ્વિનીકુમાર રેલવે પટરી પાસેથી મહમદ શકીલ મુસ્તાક બંગલાવાલા પાસેથી લાવ્યો હતો અને તેને ઝઘડિયા ખાતે આવેલ બાવાગોર દરગાહ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. ભરૂચ SOG એ આ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










