બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 5.18 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સિસોદિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, કોસિન્દ્રાથી બોડેલી તરફ આવતા નર્મદા કેનાલ રોડ પર દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેના આધારે ટીમે ધનપુર ખોંસ ગામની સીમ નજીક નર્મદા કેનાલ પર વોચ ગોઠવી હતી. દરમિયાન કોસિન્દ્રા તરફથી બે સ્કૂટર આવતા જોવા મળતા ટીમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્કૂટરચાલકોએ યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કરતાં ટીમે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્કૂટર પર ઢાંકેલા કાળા કપડાને હટાવી તપાસ કરતાં રૂ. 1,88,465ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરના કુલ 138 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા ત્રણ એક્સેસ મોપેડ, એક સફેદ રંગની સુઝુકી બર્ગમેન સ્કૂટર, પાંચ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 5,18,765નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં વીનેશભાઈ હકલસીહ રાઠવા, વિપુલભાઈ દાડુદીયાભાઈ ભીલ, રાહુલભાઈ કીશનભાઈ રાઠવા, બીપીનભાઈ કનુભાઈ રાઠવા અને અમીતભાઈ દિનેશભાઈ રાઠવા મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે રેડ દરમિયાન કેટલાક આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. જેમાં કૌશીકભાઈ રાજુભાઈ રાઠવા, સરદાર ચૌહાણ, અલ્પેશભાઈ રાઠવા અને કમલસીંગ ભીલ સહિતના ઇસમો સામે ગુનો નોંધી બોડેલી પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી










