- ઝઘડિયા તાલુકાના રતનપુર નજીક હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૮ મીને ગુરૂવારના રોજ વધાવવામાં

આવશે
દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની વર્ષો જુની પરંપરા છે

ઝઘડિયા તા.૫ ઓકટોબર ‘૨૬
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર ડુંગર પર આવેલ હઝરત બાવાગોરની દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) તા.૮ ઓકટોબર ને ગુરૂવારના રોજ પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવશે. ઉલ્લેખનીય છેકે આ ચસ્મો (પાણીનો કુંડ) વર્ષોથી હઝરત બાવાગોર દાદાના વખતથી ડુંગર પર મોજુદ છે,અને દરવર્ષે ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે ચસ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાવા (વડોદરા)અને દરગાહની જગ્યાના હાલના ગાદીવારસ હઝરત જાનુબાપુના હસ્તે પરંપરાગત ફુલ, ધાણી અને નાળિયેરથી ચસ્મો વધાવવામાં આવશે. ચસ્મો વધાવવાના દિવસે આ સ્થળે ભવ્ય મેળાનું આયોજન થાય છે. અત્રે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ મંડાય છે, ગુજરાત સહિત બહારથી પણ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મેળામાં આવે છે અને હઝરતની મુબારક દુઆઓ (આશિર્વાદ)નો લાભ મેળવે છે. બાવાગોર આવવા માટે ઝઘડિયા અને રાજપારડીથી વાહનોની સગવડ મળે છે.હઝરત બાવાગોરની દરગાહે વર્ષમાં બેવાર મેળા યોજાય છે,જેમાં દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાના દિવસે ભરાતો મેળો અને દરગાહના વાર્ષિક ઉર્સ પ્રસંગે ભરાતા મેળાનો સમાવેશ થાય છે.
ઈરફાન ખત્રી
રાજપારડી










