હાલોલ:ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે વહીવટી, એકેડેમિક અને હિસાબી તાલીમ ૨૦૨૬–૨૭નું આયોજન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૦.૨૦૨૬

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓની કાર્યક્ષમતા, ક્ષમતાવર્ધન તથા વહીવટી, એકેડેમિક અને હિસાબી કામગીરીને વધુ સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ બનાવવા માટે “વહીવટી, એકેડેમિક અને હિસાબી તાલીમ ૨૦૨૬–૨૭” નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં કાર્યરત વર્ગ-૩ ના કર્મચારીઓને સંબંધિત કામગીરી અંગે વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.કાર્યક્રમનું આયોજન કુલપતિ ડૉ. સી. કે. ટીંબાડિયાના માર્ગદર્શન હેઠળ તથા કુલસચિવ અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, હાલોલના આચાર્ય ડૉ. પ્રભુ એચ. નાયકાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.સદર તાલીમ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી પધારેલા અનુભવી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ પોતાના લાંબા કાર્યાનુભવના આધારે વહીવટી, એકેડેમિક તથા હિસાબી કામગીરીની વિવિધ પ્રક્રિયાઓ અંગે વ્યવહારુ સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સુદીપ એસ.બાગુલ, હેડ ક્લાર્ક દ્વારા શિક્ષકોની સીધી ભરતી અને બઢતી, CAS, પગાર બાંધણી જેવા વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમિત આર.પટેલ, ઇ.ચા.કચેરી અધિક્ષક દ્વારા એકેડેમિક શાખાની કામગીરી, પ્રવેશ પ્રક્રિયા તથા વિદ્યાર્થી રેકોર્ડ જેવા વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુ.જી., પી.જી.તથા પોલિટેક્નિકની એકેડેમિક કામગીરી, પરીક્ષા વ્યવસ્થાપન, પરીક્ષાની માળખાકીય તૈયારી તથા વિદ્યાર્થી પરિષદની કામગીરી અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માનાભાઈ એસ. ચાવડા,કચેરી અધિક્ષક દ્વારા વહીવટી કામગીરી અંતર્ગત સેવાપોથીની જાળવણી,રોજિંદી કચેરીની કામગીરી, કર્મચારીઓની જવાબદારીઓ, રજાના નિયમો, પ્રવાસ રાહતના નિયમો, પગાર બાંધણી તથા કર્મચારીલક્ષી વહીવટી પ્રક્રિયાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. તેમજ કચેરી પત્રવ્યવહાર, પરિપત્ર, કચેરી આદેશ, અહેવાલ તથા અન્ય સત્તાવાર દસ્તાવેજોની યોગ્ય રીતે તૈયારી અને જાળવણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી પધારેલા જી.એન. વાલાણી,નિવૃત્ત અંગત સચિવ, કુલસચિવની કચેરી દ્વારા યુનિવર્સિટી એક્ટ તેમજ સ્ટેચ્યૂટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગેશ સી. બાંગલ, ઇ.ચા. ઓડિટ ઓફિસર દ્વારા હિસાબી અને નાણાકીય કામગીરી અંતર્ગત કેશબુક, બિલ પ્રક્રિયા, ચુકવણી, હિસાબી નોંધો, ઓડિટ, બજેટ, ગ્રાન્ટ વ્યવસ્થાપન, IFMS સિસ્ટમ, પગાર બાંધણી તથા પેન્શન સંબંધિત કામગીરી અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાણાકીય કામગીરીમાં નિયમપાલન, પારદર્શિતા, દસ્તાવેજીકરણ અને ચોકસાઈ જાળવવાના મહત્વ અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતીતાલીમ કાર્યક્રમ દરમિયાન વિવિધ સત્રો બાદ પ્રશ્નોત્તરી અને વ્યવહારુ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને શાખાઓના વર્ગ-૩ ના કર્મચારીઓએ તેમની દૈનિક કામગીરીને લગતા પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આથી તાલીમાર્થીઓને માત્ર નિયમોની જાણકારી જ નહીં પરંતુ તેનો વ્યવહારુ અમલ કેવી રીતે કરવો તે અંગે પણ સમજ પ્રાપ્ત થઈ હતી.કાર્યક્રમના અંતિમ તબક્કામાં તાલીમાર્થીઓ માટે તાલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન અને સમજનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલીમ કાર્યક્રમ દ્વારા વર્ગ-૩ ના કર્મચારીઓમાં કાર્યક્ષમતા, જવાબદારી, નિયમપાલન તથા સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતોઆ તાલીમ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ શાખાઓના વર્ગ-૩ ના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ નિષ્ણાતોના અનુભવોનો લાભ લઈ પોતાની દૈનિક કામગીરીમાં વધુ ચોકસાઈ, ઝડપ અને નિયમબદ્ધતા લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં તાલીમના સહ-આયોજક ડૉ. રાજેશ કે. પંચાલ, મદદનીશ કુલસચિવ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં આવી હતી. કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાપનમાં યુનિવર્સિટીના સંબંધિત જુનિયર ક્લાર્ક, ચેતનભાઈ પટેલ, ચિરાગભાઈ ચુડાસમા તથા મૌલિકભાઈ દવે નો પણ સહયોગ રહ્યો હતો.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે સાથે કર્મચારીઓની ક્ષમતાવર્ધન, વહીવટી કાર્યક્ષમતા, નાણાકીય શિસ્ત તથા પારદર્શક કાર્યપદ્ધતિને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વહીવટી, શૈક્ષણિક અને હિસાબી તાલીમ ૨૦૨૬–૨૭ દ્વારા યુનિવર્સિટીના માનવ સંસાધનોને વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ તાલીમ કાર્યક્રમ દ્વારા “જ્ઞાન સાથે કાર્યક્ષમતા અને નિયમ સાથે પારદર્શિતા”ના અભિગમને પ્રોત્સાહન મળ્યું હતું તથા યુનિવર્સિટીની કામગીરીને વધુ સુવ્યવસ્થિત, જવાબદાર અને પરિણામલક્ષી બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો