નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યભરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

ગાંધી જયંતીના અવસરે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન

 

અમદાવાદ: નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગાંધી જયંતીના અવસરે સમગ્ર રાજ્યમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નશામુક્ત ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમજ વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

નશાબંધી સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાંધી વંદના, નશો નાશનું મૂળ, જનજાગૃતિ રેલી, નશાબંધી વિષયક નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન, નશાબંધી શપથ, પોસ્ટર પ્રદર્શન, શેરી નાટકો, ભવાઈ અને લોક ડાયરાના માધ્યમથી પણ લોકોને વ્યસનથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

 

નશાબંધી અને આબકારી કચેરી, અમદાવાદ દ્વારા 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના નિમિત્તે સાણંદ તાલુકાના મોતીપુરા-મોટી દેવતી ગામની ગ્રામ પંચાયત ખાતે નશાબંધી સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા પંચાયતના મેમ્બર સેક્રેટરી વિજયભાઈ ઠાકોર, ટી.ડી.ઓ. સાણંદ તાલુકો તેમજ અમદાવાદ જિલ્લા નશાબંધી સ્ટાફ અને સાણંદ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનો સહિત તમામ લોકોને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહી સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે અપીલ કરી હતી. સાથે જ વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે સૌની સહભાગિતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

 

મહાનુભાવોના વક્તવ્ય બાદ પૂર્વી આર થિયેટર્સ, અમદાવાદના કલાકારોએ નશા મુક્ત ભારત અભિયાનના પ્રચાર-પ્રસાર માટે ‘તલપ એક નશાની’ નામનું નાટક રજૂ કર્યું હતું. ભરત પંચોલી દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ નાટકમાં મુકેશ જાની, રવિ રાઠોડ, ગંગારામ મકવાણા તથા અરુણા ચૌહાણે અભિનય દ્વારા નશાના દુષ્પરિણામો અંગે અસરકારક સંદેશ આપ્યો હતો.

 

નાટકના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારનું ખરાબ વ્યસન વ્યક્તિના જીવનને નુકસાન પહોંચાડવા ઉપરાંત તેના પરિવારના સુખ અને સામાજિક જીવનને પણ અસર કરે છે. વ્યસનના વિષચક્રમાં ફસાયેલ વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્ય જોખમમાં મૂકી શકે છે. તેથી વ્યક્તિ તેમજ સમાજના વિકાસ માટે વ્યસનથી દૂર રહેવું જરૂરી છે.

 

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને નાટક તથા અન્ય જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નશામુક્ત જીવન જીવવાનો સંદેશ મેળવ્યો હતો. નશાબંધી સપ્તાહ દરમિયાન આવા વિવિધ કાર્યક્રમો દ્વારા રાજ્યભરમાં નશાના દુષ્પરિણામો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો અને નશામુક્ત તથા સ્વસ્થ સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો