તા.૦૫.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇન તથા 181 મહિલા હેલ્પલાઇનનું પ્રશંસનીય કાર્ય: વડોદરાથી રિસાઈને ભાગેલી 15 વર્ષીય કિશોરીનું પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન
દાહોદ:માતા-પિતા સાથે સામાન્ય ઝગડો થતાં વડોદરાથી એકલી નીકળી ગયેલી 15 વર્ષીય કિશોરીને દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇન અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના દાદા-દાદીને હેન્ડઓવર કરી સુરક્ષિત ઘરે પહોંચાડી છે.જાગૃત નાગરિકની મદદ: વડોદરામાં માતા-પિતા સાથે ઝગડો થયા બાદ કિશોરી બસમાં બેસીને દાહોદ આવવા નીકળી હતી. તેની પાસે ટિકિટના પૈસા ન હોવાથી બસમાં એક જાગૃત નાગરિકે માનવત દાખવી તેની ટિકિટના પૈસા આપ્યા હતા આ જાગૃત વ્યક્તિએ કિશોરીની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગોધરા ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમને જાણ કરી હતી. જેથી ગોધરાની ટીમ કિશોરીને સુરક્ષિત રીતે દાહોદ બસ સ્ટેશન સુધી લઈ આવી હતી અને દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને સોંપી હતી.181 ટીમ અને કાઉન્સેલિંગ: દાહોદ ચાઇલ્ડ હેલ્પલાઇને કિશોરીના મેડિકલ ચેકઅપ અને આગળની કાર્યવાહી માટે તુરંત ‘181’ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. બંને ટીમોએ સંયુક્ત રીતે કિશોરીનું સચોટ કાઉન્સેલિંગ કર્યું હતું, જેના કારણે કિશોરીએ પોતાના પરિવારનું સરનામું આપ્યું હતું. પરિવાર સાથે પુનઃમિલન: ટીમે કિશોરીને સમજાવતા તે પોતાના ઘરે જવા સંમત થઈ હતી. ત્યારબાદ તેના ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 181 અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ કિશોરીને લઈને તેના ઘરે પહોંચી હતી, જ્યાં હાજર તેના દાદા-દાદીને કિશોરી સહીસલામત સોંપવામાં આવી હતી.દીકરી હેમખેમ અને સુરક્ષિત ઘરે પરત ફરતા પરિવારના સભ્યો ભાવુક થઈ ગયા હતા અને તેમણે 181 મહિલા હેલ્પલાઇન તથા ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.










