

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગરપાલિકાની દિવાળી પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકના પ્રારંભમાં રાષ્ટ્રગીત, અગાઉની સભાની મિનિટ્સની મંજૂરી અને ત્રિમાસિક હિસાબના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. જોકે, પ્રારંભિક હોબાળા બાદ પાલિકા વિસ્તારના વિકાસ અને જનસુવિધા સંબંધિત 24 એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી, જેને અંતે સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સભા દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત 14મા નાણાપંચની ગ્રાન્ટ અને અગાઉની ટર્મમાં રચાયેલી તપાસ સમિતિની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. શહેરમાં પીળી પડી ગયેલી સ્ટ્રીટ લાઈટ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરીને તેમણે શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સભામાં રજૂ કરાયેલા તમામ 24 એજન્ડાને બહુમતીના સમર્થન સાથે મંજૂરી આપવામાં આવી છે. તેમણે દિવાળી પૂર્વે શહેરમાં રોડ પેચવર્ક, સ્ટ્રીટ લાઈટ સહિતનાં જનહિતનાં કામો હાથ ધરવાની વાત કરી હતી. સાથે જ વિપક્ષ દ્વારા કલમ 256 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી અંગે ઠપકો મળ્યો હોવાનો દાવો પણ કર્યો હતો.
આમ, રાષ્ટ્રગીતના મુદ્દે થયેલી બોલાચાલી અને વિવિધ વહીવટી પ્રશ્નો પરના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે શરૂ થયેલી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા અંતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. બેઠકમાં મંજૂર થયેલા વિકાસલક્ષી એજન્ડાઓના અમલ પર હવે શહેરવાસીઓની નજર રહેશે.









