HALVAD:હળવદ સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં લાઈટ-પંખા બંધ રાખવા બાબતે બોલાચાલી બાદ ઇજનેર પર જીવલેણ હુમલો

હળવદ ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિસમાં ફરજ બજાવતા અધિકારીઓ વચ્ચે સામાન્ય બાબતે બલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓફિસમાં ટેબલના લાઈટ-પંખા બંધ રાખવા બાબતે અધિક મદદનીશ ઈજનેર દેવાભાઈ ચનાભાઈ કોડીયાતર અને મદદનીશ ઈજનેર અવિનાશ અશ્વિનભાઈ ગામીત વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આવેશમાં આવેલા અવિનાશ ગામીતે દેવાભાઈ પર ઢીકાપાટુનો માર માર્યો હતો અને લોખંડના મોટા પંચિંગ વડે તેમના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ સાથે જ આરોપીએ બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અચાનક થયેલા હુમલામાં ઇજનેર દેવાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ બનાવ અંગે ઈજનેર દેવાભાઈ કોડીયાતરે હુમલો કરનાર અવિનાશ અશ્વિનભાઈ ગામીત વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કવાયત હાથ ધરી છે.














