MORBI:મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં પાણી કાઢવા બાબતે મારામારી

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘરમાંથી પાણી કાઢવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં એક વેપારી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબીના ઘુંટુ રોડ પર રામકો વિલેજ સોસાયટીમાં રહીને વેપાર કરતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ (ઉ.વ. ૩૬) દ્વારા આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી હિતેન્દ્રસિંહ પોતાના મોટરસાઈકલ લઈને આરોપીઓના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી દિલુભાઈ પઢિયાર ત્યાં આવીને “શેરીમાં પાણી કેમ કાઢો છો?” તેમ કહીને ઉશ્કેરાઈ ગયા હતા અને ભુંડી ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા આરોપી શક્તિ દીલુભાઈ પઢિયાર ખાલી હાથે અને મેહુલ દીલુભાઈ પઢિયાર હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યા હતા. આ દરમિયાન શક્તિભાઈના પત્ની, મેહુલભાઈના પત્ની તથા દિલુભાઈના પત્ની પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામ લોકોએ મળીને ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેમને પકડી રાખ્યા હતા. આ સમયે આરોપી મેહુલે પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો.
વધુમાં, આરોપી વિપુલ ભીખાભાઈ પઢિયાર તથા બાજુમાં રહેતા એક અજાણ્યા શખ્સે પણ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગંદી ગાળો બોલી હતી અને આરોપી દિલુભાઈ દ્વારા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ બનાવ અંગે ભોગ બનનાર વેપારી હિતેન્દ્રસિંહ રાઠોડની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે દિલુભાઈ પઢિયાર, શક્તિ દીલુભાઈ પઢિયાર, મેહુલ દીલુભાઈ પઢિયાર, શક્તિભાઈના પત્ની, મેહુલભાઈના પત્ની, દિલુભાઈના પત્ની, વિપુલ ભીખાભાઈ પઢિયાર અને એક અજાણ્યા ઇસમ સહિતના તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.














