MORBI:મોરબી: ૫૮ વર્ષ જૂના જમીન વિવાદમાં તંત્રની ઉદાસીનતાથી કંટાળી ૭૫ વર્ષના વૃદ્ધની કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માંગ

મોરબીના ટીંબડી ગામનું નવું ગામતળ ગેરકાયદેસર બેસાડ્યાનો આક્ષેપ અરજદારે કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અને ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી
મોરબી તાલુકાના પીપળી ગામના ૭૫ વર્ષીય અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે તંત્રની ઉદાસીનતા અને લાંબા સમયથી ચાલી આવતી હેરાનગતિથી કંટાળીને આશ્ચર્યજનક અને હૃદયદ્રાવક પગલું ભર્યું છે. અરજદારે મોરબી કલેક્ટરશ્રી સમક્ષ ન્યાય ન મળે તો સહપરિવાર ઇચ્છામૃત્યુની મંજૂરી આપવા માટે લેખિત રજૂઆત કરતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની જમીન રાજકોટ કલેક્ટરશ્રીના તા. ૨૬/૦૬/૧૯૬૮ ના હુકમથી સ્ટોન ક્રશરના હેતુ માટે કબજા કિંમત વસૂલ લઈને અરજદાર રવજીભાઈ મેઘજીભાઈ ચૌહાણ (રહે. રોહીદાસપરા, મોરબી) ના પિતાના નામે ફાળવવામાં આવી હતી. આ જમીન ઉપર અરજદાર અને તેમનો પરિવાર છેલ્લા ૫૮ વર્ષથી ગુજરાન ચલાવી રહ્યો છે.
દરમિયાન, નાયબ કલેક્ટરશ્રી, મોરબીના તા. ૧૬/૦૬/૧૯૮૬ ના હુકમથી ટીંબડી ગામના સર્વે નંબર ૯૪/૨ માં નવું ગામતળ મંજૂર કરવામાં આવ્યું હતું. અરજદારના આક્ષેપ મુજબ, તે સમયના તાલુકા વિકાસ અધિકારીશ્રી, પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટરશ્રી તથા ટીંબડી ગામના પૂર્વ સરપંચશ્રી દ્વારા કલેક્ટરશ્રી દ્વારા ફાળવેલ જમીનના આગળના ભાગમાં તેમજ પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ ની આજુબાજુની ખરાબાની જમીનમાં જાણી જોઈને ગેરકાયદેસર રીતે ગામતળ બેસાડી દેવામાં આવ્યું છે. જેના કારણે અરજદારને છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
માપણીમાં ગેરકાયદેસર ગામતળ સાબિત થવા છતાં ન્યાય નહીં આ વિવાદિત જમીનની અત્યાર સુધીમાં ચાર-ચાર વખત સરકારી માપણી સીટ થઈ ચૂકી છે. આ સરકારી માપણીઓમાં પણ ટીંબડી ગામનું નવું ગામતળ ગેરકાયદેસર રીતે બેઠું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ અંગે અરજદારે વિવાદિત ગામતળનો કાયમી નિકાલ લાવવા માટે અઢળક અરજીઓ કરી હોવા છતાં, તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.અરજદારની મુખ્ય માંગ ટીંબડી ગામના નવા ગામતળને તેની મૂળ જગ્યાએ ખસેડવાની અથવા તો ગામતળ પૈકીના હરરાજીવાળા વિવાદિત પ્લોટનું શિફ્ટિંગ કરવાની છે.તંત્રના વિવાદિત હુકમથી આશા ઠગારી નીવડી તાજેતરમાં જ નાયબ કલેક્ટરશ્રી, મોરબી દ્વારા પીપળી-ટીંબડી ગામના આ વિવાદ બાબતે એક વિવાદિત હુકમ કરવામાં આવ્યો છે, જેમાં હરરાજીવાળા વિવાદિત પ્લોટનું શિફ્ટિંગ કરવું કે કેમ તે અંગે પંચાયત પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો છે. તંત્રના આવા ગોકળગાય ગતિના અને વિવાદિત નિર્ણયોના કારણે અરજદારને હવે ન્યાય મળવાની કોઈ જ આશા રહી નથી.ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને ઇચ્છામૃત્યુની ચીમકી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ અરજદાર દ્વારા (૧) કલેક્ટરશ્રી, મોરબી, (૨) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબી, (૩) પ્રાંત અધિકારીશ્રી, મોરબી અને (૪) તાલુકા વિકાસ અધિકારીશ્રી, મોરબીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ પ્રાંત અધિકારીશ્રી સમક્ષ યોગ્ય ન્યાય અપાવવા અથવા જો ન્યાય ન મળે તો જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, મોરબી દ્વારા સહપરિવાર ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. ૭૫ વર્ષીય વૃદ્ધ દ્વારા ઇચ્છામૃત્યુની માંગ કરાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.














