GUJARATJETPURRAJKOT

Rajkot: મતદાન જરૂર કરો અને કરાવો : લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા સંદર્ભે રાજકોટ જિલ્લા તંત્ર પ્રયત્નશીલ

તા.૩/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકામાં પુરુષો અને મહિલાઓના મતદાનની ટકાવારીમાં ૧૦% કે તેનાથી વધુ તફાવત રહેલો હોય તેવા વિસ્તારના બૂથ લેવલ ઓફિસર, સુપરવાઈઝર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી.ડી.એચ.ઓ. અને ટી.એચ.ઓ. સાથે મામલતદાર કચેરી, લોધિકા ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઓછું મતદાન ધરાવતા ગામોની મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ તલાટી કમ મંત્રી, આંગણવાડીના સંચાલકો અને આશાવર્કર બહેનોના સંકલનમાં રહીને લોકોને મત આપવા માટે પ્રેરિત કરવા બી.એલ.ઓ. તથા સુપરવાઈઝરોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, રાજકોટ તાલુકાના કાળીપાટ ગામ અને કસ્તુરબાધામ ગામ ખાતે સ્ત્રી અને પુરુષ જાતિના મતદાનમાં ૧૦%થી વઘારે તફાવત હોવાથી બી.એલ.ઓ., તલાટી કમ મંત્રીશ્રી, આંગણવાડી બહેનોને સાથે રાખી મતદાર જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીલક્ષી જાણકારી આપીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે, તે માટે મહિલાઓએ મત આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

વધુમાં, ‘ચુનાવી પાઠશાળા કાર્યક્રમ’ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકામાં આવેલી લોધિકા કુમાર તાલુકા શાળા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાનની જાગૃતિ ફેલાવવા માટે શપથ લીધા હતા. તેમજ પડધરી તાલુકાની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ ચૂંટણી વિષયક ક્વિઝ, ચિત્ર, નિબંધ જેવી સ્પર્ધાઓમાં લીધો હતો અને ‘મતદાન જરૂર કરો અને કરાવો’, ‘દસ મિનીટ, દેશ માટે’, ‘કોઈ મતદાર છૂટે નહીં’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ જેવા સુત્રો સાથે રેલી કાઢી હતી. આમ, લોકસભાની ચૂંટણીમાં મતદાન વધારવા સંદર્ભે રાજકોટ જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!