વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બે દિવસનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ,પાંડવા,ચીંચલી,આહવા,પીંપરી,વઘઇ,સાકરપાતળ,ઝાવડા,ભેંસકાતરી,સુબિર, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે દિવસ દરમ્યાન ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ગુરુવારે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી,નાળા અને વહેળાઓમાં પાણીની આવક વધતા નાના મોટા જળધોધ આકર્ષણનું કેન્દ્ર બની જવા પામ્યા હતા.ગુરુવારે ડાંગ જિલ્લાનો વઘઇનો ગીરાધોધ તથા ગીરમાળનો ગીરાધોધ અધધ પાણીની આવક સાથે ખીલી ઉઠ્યા હતા.
ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ગિરિમથક સાપુતારા સહિત ઘાટમાર્ગમાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉભી થઇ હતી.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગુરૂડિયા ગામે ખેતરમાં બાંધેલ ઝૂંપડુ વરસાદી માહોલમાં ધરાશયી થઈ પડી જતા તેમા ભોજન કરી રહેલ એક ખેડૂતનું દબાઈ જવાથી મોત નીપજયુ.ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં ખાંબલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગુરૂડીયા ગામનાં ખેડૂત ધન્યા ભાઈ લોટુભાઈ ગાવીત તેઓનાં ખેતરમાં કામ કરી રહ્યા હતા.બાદમાં ખેતીનું કામકાજ પતાવી તેઓ ખેતરમાં બનાવેલ ઝુંપડામાં ગયા હતા.જેઓ ઝુંપડામાં ભોજન કરી રહ્યા હતા.તે વેળાએ વરસાદી માહોલમાં ભારે વાવાઝોડું ફૂંકાતા સ્થળ પર ઝૂંપડુ ધરાશયી થઈ જતા ભોજન લઈ રહેલ ખેડૂત ધન્યાભાઈ ગાવીત દબાઈ જવા પામ્યા હતા.જેની જાણ આસપાસનાં ખેતરમાં કામ કરી રહેલ ઇસમોને થતા તુરંત જ સ્થળ પર પોહચી જઈ ઝુંપડાનો કાટમાળ હટાવી દબાયેલ ખેડૂતને બહાર કાઢી સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે ગંભીર ઈજાઓને પગલે આ ખેડૂતનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.હાલમાં સુબિર તાલુકાનાં મામલતદાર સહિત તાલુકા વીક અધિકારી એમ.બી.હાથીવાલાની ટીમે સ્થળની મુલાકાત લઈ વધુ તજવીજ હાથ ધરી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સુબિર પંથકમાં 23 મિમી,આહવા પંથકમાં 37 મિમી અર્થાત 1.48 ઈંચ, વઘઇ પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 76 મિમી અર્થાત 3.04 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..