AHAVADANGGUJARAT

Dang: સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટીવલમાં સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોની બાદબાકી રહેતા પ્રવાસીઓમાં નારાજગી..

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનાં નામે સ્થાનિક કલાકારોને ખોળ આપી ઉપેક્ષા કરી તો બીજી બાજુ માનીતી એજન્સીને ગોળ આપી ગજવા ભરતા તપાસની માંગ ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
રાજ્યનાં એકમાત્ર હિલસ્ટેશન સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિકોને રોજગારી મળી રહે તેવા શુભ ઉદેશ્યથી પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે સતત એક મહિનો ચાલનાર મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન હાથ ધર્યુ છે.જેમાં ડાંગ જિલ્લાના સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોની બાદબાકી સાથે માત્ર શનિ રવિવારે જ કાર્યક્રમોનું આયોજન કરતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ છે..

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનાં નામે સ્થાનિક કલાકારોને ખોળ આપી ઉપેક્ષા કરી તો બીજી બાજુ માનીતી એજન્સીને ગોળ આપી ગજવા ભરતા તપાસની માંગ ઉઠી..

મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં દર્શનીય સ્થળોએ પ્રવાસીઓનો ઉતરોતર વધારો નોંધાઈ અને આ પ્રવાસન સ્થળોની મુલાકાત થકી તેનો વિકાસ થાય તેવા આશયથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.સતત એક મહિનો ચાલનારા ફેસ્ટિવલમાં કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રોજેરોજ આયોજિત થતા સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમોની બાદબાકી કરવામાં આવી છે.અને માત્ર શનિ રવિવારે ચીલાચાલુ કાર્યક્રમો આયોજિત કરાતા પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ જવા સાથે મોન્સૂન ફેસ્ટિવલનો ફિયાસ્કો થવા પામ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે સતત એક મહિનો ચાલનાર મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત રંગારંગ કાર્યક્રમો માટે ગુજરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિને ઈજારો અપાયો હોય વ્હાલા દવાલાની નીતિ અપનાવી સ્થાનિક માલેગામ ખાતેની ડાંગી નૃત્ય ,અને પાવરી વાદનની બાદબાકી કરતા ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ ઘડાયો છે.એક મહિના માટે આયોજિત કાર્યક્રમમાં શનિ રવિવાર સિવાય સોમથી શુક્ર સુધી કાર્યક્રમનું આયોજન ન થતા આ ફેસ્ટિવલ નિર્થક સાબિત થયો છે.જેમાં ચાલુ દિવસે પણ ગુજરાત સહીત પાડોશી મહારાષ્ટ્રમાંથી વન ડે પીકનીક માટે આવતા પ્રવાસીઓને રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા મોટા ઉપાડે કરેલ મોન્સૂન ફેસ્ટિવલની જાહેરાત બાદ કોઈ કાર્યક્રમ જોવા કે માણવા ન મળતા નારાજગી ફેલાવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ યોજાતા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રતિદિન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદી મુકવામાં આવતી હતી. પરંતુ હાલ 2024નાં મોન્સૂન ફેસ્ટિવલમાં કયો કાર્યક્રમ ક્યારે યોજવાના છે તે ખુદ પ્રવાસન વિભાગ ની હોટલ કે ખાનગી હોટલનાં કર્મચારીઓને પણ ખબર ન હોય પ્રવાસીઓ ને વીલા મોઢે પરત ફરવું પડે છે.ત્યારે રાજ્યનું પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલના ઓથા હેઠળ માત્ર કરોડો રૂપિયાનો આંધણ કરી તાયફા કરતું હોય તેમ લાગી રહ્યુ છે.આ સંદર્ભે માલેગામ ડાંગી નૃત્ય ના પ્રમુખ દિલીપભાઈ પવારે જણાવ્યું હતુ કે પ્રવાસન વિભાગ ભલે સાપુતારા માં મોન્સૂન ફેસ્ટિવલ થકી પ્રવાસન ઉદ્યોગ ને વેગ આપી સ્થાનિકોને રોજગારી નો પ્રોત્સાહન ની મોટી વાતો કરતી હોય પરંતુ ફેસ્ટિવલની શરૂઆતથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારી સ્થાનિક ડાંગી નૃત્ય મંડળી કે પાવરીવાદન કલાકારો ને ન બોલાવી અમને બેરોજગાર બનાવવાની ચેસ્ટા કરી છે.જેથી રાજ્ય સરકારે અમારી નોંધ લઈ આયોજકો સામે કાર્યવાહી કરવી જોઈએ.આ સંદર્ભે પ્રવાસી નિલેશ પટેલે જણાવ્યુ હતુ કે અમે દરવર્ષે ચોમાસામાં મોન્સૂન ફેસ્ટિવલ જોવા આવીએ છીએ ,જેમાં શનિ રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે માત્ર એક કલાક મ્યુઝિકલ કાર્યક્મ યોજવામાં આવ્યો હતો.જે ખુબ કંટાળા જનક હતો.અને તે સિવાય સોમથી શુક્રવાર. સુધી કોઈ કાર્યક્રમ ન હોવાનું જાણતા ઘણુ દુઃખ થયુ કેમકે ચાલુ દિવસે પણ ઘણા પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલમાં કાર્યક્રમ જોવાની લહાય માં સાપુતારા આવતા હોય છે.ત્યારે તેમને નિરાશા જ જોવા મળે છે તે યોગ્ય નથી .તેવામાં મોન્સૂન ફેસ્ટિવલ ના નામે માત્ર કરોડો ના ખર્ચે  દેખાડો કરનાર અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!