Rajkot: રાજકોટના ‘ધરોહર લોકમેળા’માં યોજાઈ મોકડ્રીલ
તા.૨૪/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ એવા રાજકોટના “ધરોહર લોકમેળા” માં અચાનકથી મોટી આગ લાગી હતી. એવામાં અમુક જાગૃત નાગરિકો દ્વારા મેળાના કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરાતા તુરંત જ ઈમરજન્સી સાયરન જોર જોરથી વાગવા લાગી હતી. લોકોમાં નાસભાગ મચે તે પહેલાં જ ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓ તથા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનો દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કંટ્રોલરૂમમાંથી પણ મેળામાં ઉપસ્થિત નાગરિકોને સલામત રીતે ઘટના સ્થળથી દૂર હટી જવાની સતત જાણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટેલીફોનીક જાણ થતાં જ તુરંત પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર વાસ્તવિક રીતે કાબુ કરી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. સમગ્ર ઘટનાને અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરાઈ હતી.
આ સમયે પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, દક્ષિણ મામલતદાર શ્રી જે.વી.કાકડીયા, ડિઝાસ્ટર મામલતદારની સમગ્ર ટીમ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ શ્રી રાધીકા બારાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જણકાત સહીત પોલીસ વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી હતી.
આવતીકાલથી રાજકોટના “ધરોહર લોકમેળા”નો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે મોકડ્રીલ કરીને મેળામાં મહાલવા આવાનાર તમામ નાગરીકોની સુરક્ષા અને સલામતીની ખાતરી કરી હતી.