Vansda: વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજ નેતાઓ સમાજના યુવાઓ,આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનોની હાજરીમાં કરાયું
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ હનુમાનબારી ગામના સર્કલ ખાતે બિરસા મુંડાજીના પૂતળાનું અનાવરણ બિનરાજકીય રીતે આદિવાસી સમાજના મશીહા એવા ધારાસભ્ય અનંત પટેલ,આદિવાસી સમાજના યુવા નેતા એવા ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલ ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક એવા વિજયભાઈ પટેલ, પૂર્વ કેબિનેટમંત્રી ધારાસભ્ય નરેશભાઇ પટેલ ગણદેવી તેમજ આદિવાસી સમાજના રાકેશભાઈ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું. બિરસા મુંડાજીના પૂતળાનું અનાવરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.આ ખુશીનાં માહોલમાં ‘જય આદિવાસી’ અને ‘બિરસા મુંડા તમે અમર રહો’ જેવા પૂરજોશમાં નારાઓ સાથે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.પૌરાણિક પરંપરાગત માહોલમાં આદિવાસી વાજિંત્રોના અવાજના માહોલમાં ત્રણેય ધારાસભ્યો સહિત સાંસદ ધવલ પટેલ પણ તુર ઉપર નાચ્યાં હતા.
આ શુભ પ્રસંગે આદિવાસી સમાજના યુવાનો આગેવાનોએ પરંપરાગત વાજિંત્રો અને તુર તાલે નૃત્યોની રમઝટ જમાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ જય આદિવાસી, જય જોહરના નારા સાથે જણાવ્યું હતું કે, વર્ષ 2018થી ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે આજે 15 નવેમ્બરે આદિવાસી જનનાયક બિરસામુંડાજી ની 150મી જન્મજયંતીના શુભ દિને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ, ચિરાગભાઈ અને માર્ગદર્શક બાબુ કાકાના નેતૃત્વમાં બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે ત્યારે ખૂબ ખુશીની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ.વાંસદા તાલુકામાં આ ત્રીજી પ્રતિમા છે. આવનારા સમયમાં ગામે ગામમાં બિરસા મુંડાજીની પ્રતિમા મુકવામાં આવશે. એના માટે સંઘર્ષ કરીશું તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ બિનરાજકીય માહોલમાં વાંસદા પોલીસનું ચુસ્ત બંદોવસ્ત વચ્ચે હર્ષોઊલાશે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.