GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું

૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે ૧૫ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે જણાવ્યું  હતુ કે,  ‘‘મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકી આપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેક મતદારે જ્ઞાતિ– જાતિના ભેદભાવથી પર રહીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. કલેકટરશ્રીએ આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમામ નાગરિકોને મતદાનનો સમાન અધિકાર છે તેમ જણાવી લોકશાહી વિશે સચોટ માર્ગદર્શન નાગરિકોને  પૂરુ પાડયું હતું.

આ પ્રસંગે  ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વયોવૃદ્ધ મતદાર અને દિવ્યાંગ મતદારોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવા તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા લોકો કટિબદ્ધ થયા  હતા.
આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રિયંકાબેન પટેલ, નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જયેશ ચૌધરી સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!