તા. ૧૩૦૨૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:અકસ્માત કરી ગાડી લઈ ભાગી ચૂકેલ દાહોદના યુવકને દાહોદ જિલ્લા પોલીસએ ગણતરીના સમય ગાળામાં ઝડપી પાડયો
દાહોદ નજીક કંબોઈ ગામે હાઇવે ઉપર સવારના સમયે દિગંબર સાધ્વીજી પદયાત્રા કરી દાહોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી કોઈક અજાણ્યા વાહને ટક્કર મારતા સાધ્વીજી તથા તેમની સાથેના એક સેવકને ગંભીર જીવલેણ ઇજાઓ બંનેનું થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાધ્વીજી આજે આચાર્ય શુનિલ સાગરજી મહારાજના દાહોદ પ્રવેશ પ્રસંગે તેમજ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા હતા. આ મામલે દુઃખદ ઘટના બનતા આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજે પોલીસ તંત્રને આ અકસ્માત છે કે પછી કોઈ સાજીસ અંતર્ગત આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેની તપાસ કરવા રોષભેર જણાવ્યું હતું. અને જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી આચાર્યશ્રીએ અન્ન જળ ત્યાગ કરવાની વાત કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં આજે દિગંબર જૈન સમાજના આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજની સરસંઘની બપોરના ૧:૩૦ વાગ્યે દાહોદમાં પુનિત પધરામણી થનાર હતી. આચાર્યશ્રીના નગર પ્રવેશે દેશ આખામાંથી સાધુ અને સાધ્વીજીઓ વિહાર કરી દાહોદ પહોંચી રહ્યા હતા. ત્યારે આજે તારીખ ૧૩ના રોજ લીમખેડાથી શ્રી શ્રુતમતી માતાજી તેમના એક શ્રાવક મનોજભાઈ શાહ સાથે પદયાત્રા કરી દાહોદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં કંબોઈ નજીક રસ્તાની સાઈડમાં સવારના સાડા છ વાગ્યાના સુમારે પદયાત્રા કરી રહેલા માતાજી અને તેમના શ્રાવકને પાછળથી માતેલા સાંઢની જેમ યમદૂત બની પૂરપાટ દોડી આવતા અજાણ્યા વાહને ટક્કર મારી ૨૦૦ થી ૩૦૦ મીટર સુધી ઢસડી લઈ જઈ વાહન ચાલક તેના કબજાનું વાહન લઈ ફરાર થઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં શ્રી શ્રુતમતી માતાજી અને ચીખલી નિવાસી શ્રાવક મનોજભાઈ દશરથભાઈ શાહનુ ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાની જાણ દાહોદના જૈન સમાજમાં થતા લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને એમ્બ્યુલન્સ દ્વારા બંને મૃતદેહ દાહોદ હોસ્પિટલમાં લવાયા હતા. ત્યારબાદ માતાજીને કોલેજ રોડ ઉપર ડો. શીતલ શાહના ફાર્મ હાઉસ ઉપર આચાર્યશ્રી સુનિલ સાગરજી પાસે લઈ જવાયા હતા. અહીંયા શ્રી શ્રુતમતી માતાજીની અંતિમયાત્રા પુરા વિધિ વિધાન સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ દુઃખદ ઘટના સંબંધે આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજે જ્યાં સુધી આ અકસ્માતની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગનો સંકલ્પ લીધો હતો. આ ઘટનાના પગલે સવારથી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઝાયડસ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા અને માતાજીની અંતિમયાત્રામાં પણ જોડાયા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજે જણાવ્યું હતું કે અમને તો એમ હતું કે ગુજરાતમાં સરકાર અમારી સારી સંભાળ અને ઉષ્મા ભર્યું સ્વાગત કરશે. પરંતુ આ ઘટના તેનાથી વિપરીત બની હતી. પોલીસ વિભાગના ડીવાયએસપી ભંડારી સહિતના પોલીસ અધિકારીઓને સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, આ ઘટનાનો કોઈ સાજીસ અંતર્ગત અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ. અને જ્યાં સુધી આરોપીઓને ન પકડો ત્યાં સુધી તેઓએ અન્નજળના ત્યાગની વાત કરી હતી. આ ઘટનાના પગલે દાહોદમાં બપોરના દોઢ વાગ્યે આચાર્ય ભગવંત મુનિ શ્રી સુનિલ સાગરજી મહારાજનો ભવ્ય શહેર પ્રવેશનો કાર્યક્રમ થનાર હતો તે મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ ગમખ્વાર ઘટનાના પગલે જૈન સમાજ, શહેર અને જિલ્લામાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ સમાચાર લખાય છે ત્યારે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ દાહોદની પોલીસે આકાશ પાતાળ એક કરીને પણ અજાણ્યા વાહનના ચાલકને ઝડપી પાડી જેલ ભેગો કરી હાશકારો લીધો છે.