DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીના ઉમરકોટમાં જંગલખાતાની ૨૦૦ વિઘા જમીન પર થયેલા દબાણો તોડી પડાયા

તા.૨૯/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવીને જંગલખાતાને સોંપાઈ

જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ ધોરાજી પ્રાંત અધિકારીની કડક કાર્યવાહી

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ અને ધોરાજી પ્રાંત અધિકારી શ્રી નાગાજણ તરખાલાની આગેવાનીમાં આજે ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ આશરે ૨૦૦ વિઘા જમીન પરથી ૨૩.૫૦ કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.

પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૧૦ની સાલમાં ભાદરના જળાશયમાં જંગલ ખાતાની ડૂબમાં ગયેલી જગ્યા અન્વયે આશરે ૩૩ હેકટરથી વધુ જમીન ઉમરકોટ ગામના સર્વે નંબર ૧૦ પૈકી ૧ અને ૭૫ પૈકી ૨ની જમીન જંગલ ખાતાને ફાળવવામાં આવી હતી. જો કે આ પૈકીની આશરે ૩૧ હેક્ટરથી વધુ જગ્યાઓમાં છેલ્લા ૧૫ વર્ષથી દબાણદારોએ ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા હતા.

ઉમરકોટ ગામની મુલાકાત દરમિયાન આ દબાણ ધ્યાને આવતા દબાણ દૂર કરવાની કાર્ય પધ્ધતિ મુજબ કલમ-૬૧ નીચે કેસો ચલાવી અને કલમ-૨૦૨ નીચે આખરી નોટીસો આપવામાં આવી હતી. છતાં દબાણ દૂર ના કરાતા, આજરોજ ડિમોલીશન હાથ ધરીને ૧૯ દબાણદારોએ કરેલા આશરે ૨૦૦ વિઘા જેટલી જમીન પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે ૨૩.૫૦ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ કામગીરીમાં આઠ જેસીબી, ૧૫ ટ્રેકટર અને અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ જમીન ખુલ્લી કરાવીને દબાણ રહિત કબજો આજરોજ જંગલ ખાતાને સોંપી દેવામાં આવ્યો છે. દરમિયાન તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ ૧૯ દબાણદારો પૈકી ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.

આ દબાણ દૂર કરવા મામલદારશ્રી આર.કે.પંચાલ, ચીફ ઓફિસરશ્રી જયમલ મોઢવાડીયા,નાયબ કાર્યપાલક ઇજનેર ખોરસીયા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી ગોહિલ અને તેઓની ટીમ, ડી.આઈ.એલ.આર.કચેરીની ટીમ, પીજીવીસીએલ તરફથી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી સોલંકી અને તેની ટીમ ઉપરાંત આશરે ૫૦થી વધુ કર્મચારીઓ, ૬૦થી વધુ પોલીસ સ્ટાફ સાથે કુલ ૧૧૦ લોકોની ટીમ સમગ્ર કામગીરીમાં જોડાઈ હતી.

Back to top button
error: Content is protected !!