Rajkot: “મેદસ્વિતાના લીધે શરીર અનેક રોગોનું ઘર બને છે.”- શ્રી મનોજભાઈ સોલંકી
તા.૧૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સાફલ્ય ગાથા – રિધ્ધિ ત્રિવેદી
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટમાં કાર્યરત શ્રી મનોજભાઈએ ૧૫ કિલો વજન ઘટાડી મેદસ્વિતા મુક્ત અભિયાનમાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
Rajkot: ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતાના જોખમ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વાસ્થ્યનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીમાં કાર્યરત ૫૭ વર્ષીય શ્રી મનોજભાઈ સોલંકીએ “મેદસ્વિતા મુક્ત” અભિયાન અન્વયે જણાવ્યું હતું કે, પહેલા મારું વજન ૯૫ કિલો હતું, જે હાલ ૮૦ કિલો છે. જ્યારે મારું વજન ૯૫ કિલો હતું ત્યારે મને બેસવા, ઉઠવા અને નિત્ય કામોમાં સ્ફૂર્તિ રહેતી નહોતી અને જીવન આળસુ બની ગયું હતું. મેદસ્વિતાના લીધે શરીર અનેક રોગોનું ઘર બને છે. જ્યારે, મેં મારા સાથી કર્મીઓને સ્ફૂર્તિથી કામ કરતા તેમજ તેમને શારીરિક રીતે ચુસ્ત અને તંદુરસ્ત જોયા ત્યારે મને પણ વજન ઘટાડવાની પ્રેરણા મળી હતી.
ત્યારબાદ, મેં યોગ, દરરોજ ત્રણ કિલોમીટર ચાલવું, આહારમાં લીલાં શાકભાજી અને કાચું સલાડ લેવું, સવારે જાગતાની સાથે અને રાત્રે સુતા પહેલા જીરાવાળું ગરમ પાણી પીવું, ઉપરાંત, રાત્રે ૮ વાગ્યા પહેલા જમવામાં હળવો આહાર લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ મને આ ટેવને કારણે સારો લાભ મળ્યો. હવે હું પણ મારા અન્ય મિત્રોની જેમ સ્ફૂર્તિ સાથે કામ કરી શકું છું.
હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરંભાયેલા “મેદસ્વિતા મુક્ત” અભિયાનમાં જોડાઇએ અને પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપીએ.