AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રસ્તાઓની મોન્સુન સંબંધિત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્યના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા જૂન માસથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ અને વાવાઝોડાને કારણે વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામા વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા, ભૂસ્ખલન થવુ, તેમજ માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગો/પુલોને થતુ નુકશાન પૂર્વવત કરવા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરતપણે સતત કામગીરી હાથ ધરવામા આવી છે.આ માટે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા દરેક રસ્તા ઉપર મરામતની કામગીરી સુપેરે થાય તે માટે મદદનીશ ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટની નિગરાની હેઠળની ટીમો તૈનાત કરવામા આવી છે. જેમના દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામા હાથ ધરવામા આવી રહી છે.મોન્સુન સંબંધિત માર્ગ સુધારણાના કાર્યને ઝડપી બનાવવા અહીં ૮ જેટલા JCB અને આશરે ૮૦ વ્યક્તિઓનુ માનવબળ કામે લગાડાયુ છે. આ ટીમ કટોકટીની કોઈપણ પરિસ્થિતિમા તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. જેમની કામગીરીનુ નાયબ કાર્યપાલક ઇજનેર સહિત કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પણ સ્વયં સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, જૂન-૨૦૨૫થી જિલ્લાના અસરગ્રસ્ત તમામ રસ્તાઓ પર સમારકામ શરૂ કરી દેવામા આવ્યુ છે. આ કામગીરીમા અત્યાર સુધી કુલ ૫૧૦ ક્યુબિક મીટર કોલ્ડ મિક્સ મટિરિયલ, ૯૦ ક્યુબિક મીટર ગ્રેન્યુલર સબ-બેઝ મટિરિયલનો ઉપયોગ કરવામા આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા હાથ ધરવામા આવેલી માર્ગ સુધારણા અને સમારકામની આ કામગીરીથી જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો અને પર્યટકોને સુરક્ષિત, સરળ, અને સુગમ મુસાફરીનો અનુભવ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!