વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચીખલી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાને ‘ડાકણ’ કહીને બદનામ કરવામાં આવી અને તેને શારીરિક ત્રાસ પણ આપવામાં આવ્યો હતો.આ અંગે પીડિત મહિલાએ સુબીર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલી (લવચાલી) ગામના હરેશભાઈ મન્યાભાઈ ચૌધરી લાંબા સમયથી બીમાર હતા. તેમની પત્ની તેમને સુબીર દવાખાને લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા પણ ગયા હતા. જોકે, આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આગળની સારવાર શક્ય બની ન હતી અને તેઓ ઔષધિઓ તેમજ જડીબુટ્ટીઓ દ્વારા સારવાર કરાવી રહ્યા હતા. તેમ છતાં હરેશભાઈની તબિયતમાં સુધારો ન થતાં, તેમને ગામના ભગત ત્રિગુણાબેન પાસે લઈ જવામાં આવ્યા હતા.ત્યા સાજા થવા માટેની વિધિ ચાલી રહી હતી ત્યારે, પીડિત હરેશભાઈની પત્ની ગિરજુબેનને ભગત ત્રિગુણાબેન અને તેમનો પતિ મયુર ઉર્ફે દીકુ રાત્રિના સમયે ખેંચીને તેમના ઘરે લઈ ગયા હતા.અને ત્યાં ગિરજુબેનને “તું જ ડાકણ છે” તેમ કહી, ડાકણ હોવાની કબૂલાત કરવા માટે ધમકીઓ આપી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.આ ઉપરાંત, ગાળાગાળી પણ કરવામાં આવી હતી.જોકે ગિરજુબેને ડાકણ હોવાની કબૂલાત ન કરતા, ભગતના પતિ મયુરે તેમને પગના ઘૂંટણ પર સળગતા લાકડા વડે માર માર્યો અને કમરના ભાગે પણ પ્રહાર કર્યા હતા.આ આઘાતજનક બાબત એ છે કે, ગિરજુબેનના પતિ હરેશભાઈએ પણ ભગતનો સાથ આપ્યો અને તેમને માર મારવાનું કહ્યુ હતુ.ગિરજુબેને તેમ છતાં કબૂલાત ન કરતા, તેમને રાત્રિના સમયે ઘરે પાછા મોકલી દેવામાં આવ્યા હતા.જોકે, ભગત ત્રિગુણાબેન અને મયુર ઉર્ફે દીકુએ તેમને ધમકી આપી કે, “આજે તો તું બચી ગઈ, બીજી વખત બોલાવીશું તો તને જાનથી મારી નાખીશું.”આ સમગ્ર ઘટના અંગે ગિરજુબેને ચાર આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં (૧) મયુર ઉર્ફે દીકુ, (૨) ત્રિગુણાબેન મયુરભાઈ (ભગત), (૩) પ્રકાશભાઈ હરેશભાઈ ચૌધરી, અને (૪) હરેશભાઈ મન્યાભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..