નવસારી મનપા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરોમાં ૧૫૦ લોકો નિયમીત જોડાઈ ૫૨૦ કિલો વજન ઘટાડ્યું…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલી યોગ શિબિરોનો સફળતા પૂર્વક સમાપન થયો. કુલ ૫ સ્થળો પર યોજાયેલી યોગ શિબિરમાંથી કુલ ૫૨૦ કિલોગ્રામ વજન ઘટાડાયું
નવસારી મહાનગરપાલિકા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે છેલ્લા બે મહિના દરમિયાન “મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત શહેરના પાંચ અલગ-અલગ વિસ્તારોમાં નિઃશુલ્ક યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરોમાં મોટા પાયે સામાન્ય નાગરિકોની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ, તેમજ મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળેલી હતી.આ બે માસીય કાર્યક્રમમાં કુલ ૧૫૦ થી વધુ નાગરિકોએ ભાગ લીધો, જેમણે નિયમિત યોગ અભ્યાસ દ્વારા કુલ ૫૨૦ કિલોગ્રામ સુધીના વજન ઘટાડાનું નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ યોગ અભ્યાસમાં યોગાસન, યોગિક વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન, વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હોર્મોનલ ડિસઓર્ડર, સાંધાના દુઃખાવા તથા હાર્ટ ડીસીઝ જેવી જીંદગીમાં લાંબા ગાળે અસર કરતી બિમારીઓ સામે રાહત અને નિયંત્રણ મેળવવામાં સહાયતા મળી. શિબિરનું આયોજન શહેરના પાંચ સ્થળોએ કરવામાં આવ્યું હતું:જેમાં
રાશિ ગાર્ડન, જ્યાં રીતાબેન તથા ઈન્કાબેન દ્વારા યોગ શિબિર સંચાલિત કરવામાં આવી હતી.જ્યારે શિરવઈ ગાર્ડન, અહીં રવિભાઈ અને દશરથભાઈ યોગ માર્ગદર્શન હેઠળ તેમજ ડાન્સિંગ ફુવારો, જ્યાં પ્રજ્ઞાબેન દ્વારા યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.અને શાંતાદેવી હાઈસ્કૂલ, અહીં ભાવિકભાઈ દ્વારા યોગ પ્રદર્શન થયું.જ્યારે જલાલપોર વિભાગીય કચેરી, જ્યાં સુનિલભાઈ યોગ શિક્ષક તરીકે કાર્યરત રહ્યા હતા.
આ સમગ્ર યોગ અભિયાનનું સફળ સંચાલન નવસારી મહાનગરપાલિકા તથા યોગ બોર્ડના કોર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ થયું. શહેરના દરેક નાગરિક સુધી આ અભિયાન પહોંચે, તેનું સુંદર આયોજન તથા વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી. દરેક સ્થળે કાયમી યોગ કક્ષા ચાલુ રાખવામાં આવી છે, જેથી નાગરિકો યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી શકે.આ ભાવિ યોજના અંતર્ગત નજીકના દિવસોમાં નવસારી શહેરમાં વધુ વિસ્તૃત અને મોટી પાયે યોગ શિબિરનું આયોજન થવાની શક્યતા છે, જેમાં સમગ્ર નવસારી જિલ્લાની જનતાને જોડાવા માટે આમંત્રણ અપાયું છે.અંતે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી મહાનગરપાલિકા તથા કમિશનર શ્રીનો આ અભિયાનમાં સહયોગી બનવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો . આવા યોગ અભિયાનો દ્વારા શહેર તંદુરસ્ત અને સમૃદ્ધ જીવનશૈલી તરફ આગળ વધી રહ્યું છે.