ધાનેરામાં ખેડૂતોએ દુકાનો ખોલાવતાં યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યાના પ્રસિધ્ધ થયેલ સમાચાર બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા રદિયો પ્રસિધ્ધ કરાયો
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિવિધ સમાચાર માધ્યમોમાં સમાચાર પ્રસિધ્ધ થયેલ કે ધાનેરામાં ખેડુતોએ દુકાનો ખોલાવતાં યુરીયા ખાતરનો જથ્થો મળી આવ્યો તથા યુરિયા ખાતરના કાળા બજારી/સંગ્રહખોરી બાબતે સમાચાર પ્રસિધ્ધ થયેલ હતા જે બાબતે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા રદિયો પ્રસિધ્ધ કરાયો છે. જે અનુસંધાને ખેતીવાડી વિભાગ દ્વારા ધાનેરા તાલુકામાં આવેલ અંબિકા શોપીંગ સેન્ટરમાં આવેલ તમામ દુકાનો તેમજ ગોડાઉનની સદર બાબતે રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી છે. સદર તપાસ દરમિયાન કોઇ પણ દુકાન તેમજ ગોડાઉનમાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ ન હતો. જેથી યુરિયા ખાતરના કાળા બજારી/સંગ્રહખોરી બાબતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
રદિયામાં જણાવ્યું છે કે, ખેડુતોને ખાતર લેવામાં અગવડતા ના પડે તે માટે તંત્ર દ્વારા ધાનેરા તાલુકામાં જેની પાસે યુરિયા ખાતર હાજરમાં હોય તેવી દુકાન/સંસ્થાઓની યાદી ગ્રુપમાં રોજે રોજ મુકવામાં આવે છે. તેમજ કોઇ ખેડુત દ્વારા કોલ કરી ખાતરના હાજર સ્ટોક અંગે પુછતાછ કરવામાં આવે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તેઓને સંતોષકારક જવાબ આપવામાં આવેલ છે અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૭૨૫ મે.ટન. યુરીયા ખાતર ઉપલબ્ધ કરાવેલ છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા જણાવ્યું છે.