ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે ફરી વરસાદનું જોર વધતા નદીઓ બે કાંઠે વહેવા લાગી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે વરસાદી જોર ધીમુ પડતા જનજીવને રાહતનો શ્વાસ લીધો હતો.તેવામાં સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.સોમવારે ડાંગ જિલ્લાનાં સાપુતારા,શામગહાન,સાકરપાતળ, વઘઇ, ઝાવડા,ભેસકાતરી, કાલીબેલ, પીંપરી,આહવા,બોરખલ, ગલકુંડ, ચિંચલી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યુ હતુ. જ્યારે સુબિર, સિંગાણા, લવચાલી, ગારખડી, પીપલાઈદેવી,પીપલદહાડ સહીતનાં પંથકોમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં સોમવારે દિવસ દરમ્યાન એકધારો વરસાદ ચાલુ જ રહેતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી,પૂર્ણા,ગીરા અને ધોધડ નદી ગાંડીતુર હાલતમાં બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.આહવા,વઘઇ અને સાપુતારા પંથકમાં વરસાદી જોર વધતા અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.જેના પગલે મોડી સાંજે જિલ્લા પંચાયત હસ્તકનો ઘોડવહળ કોઝવે,ચીખલદા કોઝવે,ઉગા-આંબાપાડા કોઝવે,સુસરદા કોઝવે,ખાતળ-ઘોડી કોઝવે થોડાક સમય માટે ઓવરટોપિક થતા દસેક ગામો પ્રભાવિત થયા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી,નાળા, વહેળા, કોતરડા,ઝરણાઓ અને નાના મોટા જળધોધ ડહોળા નિરની સાથે ઉભરાઈ ઉઠતા દ્રશ્યો મનમોહક બન્યા હતા.સોમવારે ડાંગ જિલ્લાનો વઘઇ અને ગિરમાળનો ગીરાધોધ પણ રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ઘુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા પ્રવાસી વાહનચાલકોને વાહનોની હેડલાઈટ અને સિગ્નલ લાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.સાથે સાપુતારામાં ઘુમ્મસીયા વાતાવરણનાં પગલે ઝીરો ટકા વિઝીબીલીટી જોવા મળી હતી.વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા તરબતર થઈ જતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 27 મિમી અર્થાત 1.08 ઈંચ, સાપુતારા પંથકમાં 34 મિમી અર્થાત 1.36 ઈંચ, વઘઇ પંથકમાં 45 મિમી 1.8 ઈંચ, જ્યારે આહવા પંથકમાં 51 મિમી અર્થાત 2.04 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..