અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા-ટીંટોઈ 66 કે.વી. વીજ લાઇનથી જીવલેણ જોખમ – કોંગ્રેસની રજૂઆત
મોડાસા થી ટીંટોઈ સુધી આવેલી 66 કે.વી. વીજ લાઇન લગભગ 40 વર્ષ પહેલાં નાખવામાં આવી હતી. લાંબા સમયથી કોઈ મોટા ફેરફાર ન થતાં આજે આ લાઇન અનેક સ્થળોએ અત્યંત નીચી થઈ ગઈ છે. રસ્તાઓ ઊંચા થવાથી તથા ભારે વાહનો પસાર થતી વખતે ગંભીર અકસ્માત સર્જાવાનો ખતરો ઊભો થયો છે.આ ગંભીર મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે કલેક્ટરને લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે રસ્તા ક્રોસ કરતી વીજ લાઇનને તાત્કાલિક ઊંચી કરવામાં આવે. સમગ્ર લાઇનનું સર્વેક્ષણ કરીને જૂના વાયર, પોલ તથા સાધનોને બદલવામાં આવે. નવી ટેક્નોલોજી દ્વારા લાઇનનું આધુનિકીકરણ કરવામાં આવે.અરૂણ પટેલે જણાવ્યું કે આ સમસ્યા સીધી જ લોકોના જીવલેણ જોખમ સાથે સંકળાયેલી છે. વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લે નહિંતર કોઈ મોટી દુર્ઘટના અટકાવવી મુશ્કેલ બનશે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જનહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.