શહેરા નજીકથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપાયો: ₹4.5 લાખનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: શહેરાના વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાનું વહન કરતા એક ટ્રકને ઝડપી પાડી ₹4.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ, શહેરા રેન્જ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, શહેરાથી નાકુડી રોડ તરફના વરિયાલ રોડ પાસેથી પસાર થઈ રહેલો એક ટ્રક (નંબર GJ 17 TT/5599) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો.તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રકમાં વગર પાસ-પરમિટના લીલા અને તાજા પંચરાઉ લાકડા ભરેલા હતા. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક અને અંદાજે ₹4.5 લાખની કિંમતના લાકડાને જપ્ત કર્યા હતા.આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જપ્ત કરાયેલા વાહન અને મુદ્દામાલને શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે.આ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટર એસ. બી. માલીવાડ, ફોરેસ્ટ ગાર્ડ બી. એન. રાવલ (શહેરા), એલ. ડી. રબારી (નવાગામ), બી. ઓ. રાજપુત (દલવાડા), અને વી. એમ. રાઠોડ (સાજીવાવ) સહિતના સ્ટાફ હાજર રહ્યો હતો.