નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
“સહી પોષણ દેશ રોશન” અભિયાન અંતર્ગત સુપોષિત, સ્વસ્થ અને સુખી જીવન સુનિશ્વિત કરવાનાં ધ્યેય સાથે સમગ્ર દેશમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનો “પોષણ માહ” તરીકે ઉજવાય છે. જે અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં માર્ગદર્શન હેઠળ કેવિકે, નવસારી અને ઈફકો, નવસારીનાં સંયુકત ઉપક્રમે કિંચનગાર્ડન/ન્યુટ્રીગાર્ડન/ટેરેસગાર્ડન અંગે તાલીમ યોજાઈ.
અધ્યક્ષસ્થાનેથી ડૉ.સુમિત સાળુંખેએ અર્બન એરીયામાં ઘરનાં ટેરેસ પર અનેક શાકભાજી અને પ્રાદેશિક ફળપાકો ઉગાડી તાજી રાસાયણિક દવાઓ મુકત શાકભાજી મેળવી પરિવારની તંદુરસ્તી સુનિશ્વિત કરી શકાય છે એમ જણાવ્યું હતું. અસ્પી બાગાયત મહાવિદ્યાલયનાં મદદનીશ પ્રાધ્યાપક ર્ડા.સુધા પાટીલે કિચન ગાર્ડનમાં ફૂલપાકોની પસંદગી તેમજ શાકભાજી પાકો સાથે ફૂલો દ્વારા વધારાની આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી.
કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડૉ.દિક્ષિતા પ્રજાપતિએ ટેરેસ ગાર્ડનનાં વ્યવસ્થાપન અને તેની માવજત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તાલીમમાં કેન્દ્ર ખાતે તૈયાર કરાયેલ ગંગામા ન્યુટ્રીશન ગાર્ડનની તાલીમાર્થીઓને વિઝીટ કરાવી નાની જગ્યામાં ઘરખપ પૂરતું શાકભાજી કેવી રીતે ઉગાડી શકાય તે પણ બતાવવામાં આવ્યું. તાલીમમાં પ્લગ ટ્રે ભરવી તેમાં ધરૂ તૈયાર કરવા માટેનું પધ્ધતિ નિદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં એરૂ ચાર રસ્તા સ્થિત સીતારામનગર સોસાયટીનાં ૩૫ જેટલાં પ્રકૃતિ અને કૃષિ પ્રેમી રહેવાસી ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવી આનંદ સાથે સંતોષ વ્યકત કર્યો હતો. તાલીમનું સફળ સંચાલન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ર્ડા. દિક્ષિતા પ્રજાપતિ, નિતલ પટેલ અને સંકલન ડૉ.સ્નેહલકમારે કર્યું હતું.