વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલની તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાનના સાત રાજ્યોના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.આ મહત્વપૂર્ણ જવાબદારી મળ્યા બાદ આજે તેઓ અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર ખાતે પહોંચ્યા હતા,જ્યા સ્થાનિક સંગઠનના અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
ઈટાનગર એરપોર્ટ પર વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓમાં તેમના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સ્વાગત બાદ, તેમણે અરુણાચલ પ્રદેશનાં પ્રદેશ પ્રમુખ કલીંગ મોયોંગના નેતૃત્વ હેઠળ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીઓ અને આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા કક્ષાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ‘હર ઘર સ્વદેશી’ કાર્યક્રમનો વિસ્તારપૂર્વક પ્રચાર અને અમલ કરવાનો હતો.ધવલભાઈ પટેલે ઉપસ્થિત સૌને આ અભિયાનના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આત્મનિર્ભર ભારતનું નિર્માણ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશનો દરેક નાગરિક સ્વદેશી ઉત્પાદનો અપનાવશે અને સ્થાનિક કારીગરો તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.આ બેઠકમાં ખાસ કરીને અરુણાચલ પ્રદેશ જેવા સરહદીય રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા અને સ્થાનિક લોકો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને બજાર મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે આ અભિયાનને જન આંદોલન બનાવવા અને તેને દરેક ઘર સુધી પહોંચાડવા માટેની રણનીતિ પર ભાર મૂક્યો હતો.અરુણાચલ પ્રદેશના નેતાઓએ ધવલભાઈ પટેલનાં માર્ગદર્શનને આવકાર્યો હતો અને ખાતરી આપી હતી કે તેઓ આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કામ કરશે.આ મુલાકાતથી અરુણાચલ પ્રદેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે..