6 વર્ષ સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેનારા 474 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ, ગુજરાતના 10 રાજકીય પક્ષો રદ
ચૂંટણી પંચે બિન-માન્યતાપ્રાપ્ત નોંધાયેલા રાજકીય પક્ષો સામે કડક કાર્યવાહી કરી છે. પંચે સતત છ વર્ષ સુધી ચૂંટણી ન લડનારા ગુજરાતના 10 રાજકીય પક્ષો સહિત 474 પક્ષોની માન્યતા રદ કરી દીધી છે. પંચે આ કાર્યવાહી બે તબક્કામાં કરી છે. આ પહેલા ઓગસ્ટમાં 334 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરાયું હતું. આમ છેલ્લા બે મહિનામાં કુલ 808 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે.
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 મુજબ આ કાર્યવાહી કરી છે. નિયમ મુજબ જો કોઈ પક્ષ સતત 6 વર્ષ સુધી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહે, તો તેનું રજીસ્ટ્રેશન રદ કરી શકાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, કોઈ રાજકીય પક્ષ ચૂંટણીમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ચૂંટણી લડતા નથી અને કર મુક્તિ અને અન્ય લાભોનો ફાયદો ઉઠાવતા હોય છે, ત્યારે ચૂંણી પંચ સમયાંતરે આવા પક્ષો કાર્યવાહી કરતી રહે છે.
2019થી જ ચૂંટણી પંચ આવા નિષ્ક્રિય પક્ષો સામે પગલાં લઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 9 ઓગસ્ટે અને બીજા તબક્કામાં 18 સપ્ટેમ્બરે આ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી પંચે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરી દીધું છે. પંચે ઉત્તર પ્રદેશના 121 પક્ષો, મહારાષ્ટ્રના 44, મધ્યપ્રદેશના 23, પંજાબના 21, હરિયાણાના 17 અને બિહારના 15 પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કર્યું છે.
આ 808 પક્ષો ઉપરાંત ચૂંટણી પંચના રડાર પર અન્ય 359 પક્ષો પણ છે, જેમણે છેલ્લા 6 વર્ષમાં ચૂંટણી લડી છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમના નાણાકીય ઓડિટની માહિતી આપી નથી. આ પક્ષો દેશના 23 વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. ચૂંટણી પંચની આ કડક કાર્યવાહી રાજકીય પક્ષોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
ચૂંટણી પંચે 11 ઓગસ્ટના રોજ પણ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે, 476 પક્ષોને તાત્કાલિક રદ કરવામાં આવશે નહીં. સંબંધિત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને (CEO) આ પક્ષોને કારણદર્શક નોટિસ પાઠવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પક્ષોને સુનાવણી માટે પણ તક આપવામાં આવશે. CEOsના અહેવાલના આધારે, ECI અંતિમ નિર્ણય લેશે.