MORBI:મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો : લોકો મન મૂકી ગરબે રમ્યા
MORBI:મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબ કાર્યક્રમ યોજાયો : લોકો મન મૂકી ગરબે રમ્યા
નવરાત્રીને આવકારવા વિશેષ કાર્યક્રમનું આયોજન : જુના ગરબા અને દેશભક્તિના ગીતો ઉપર લોકોએ ઘૂમીને આનંદ કર્યો
મોરબી : મોરબીમાં આજે રાત્રીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફ્લેશ મોબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નહેરૂગેટ ચોક જેવી ઐતિહાસીક જગ્યાએ લોકો મન મુકીને ગરબે રમ્યા હતા. આમ નવરાત્રી પૂર્વે જ જાણે નવરાત્રી હોય તેવો માહોલ સર્જાયો હતો.
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં બહેનો માટે નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવી છે. અહીં 9 સ્થાનકોએથી માતાજીની ચુંદડી લાવીને રાખવામાં આવશે. તમામ લોકો ત્યાં શક્તિ સૂત્ર પણ બાંધી શકશે. બાદમાં એ શક્તિ સુત્રોને શક્તિપીઠ ખાતે અર્પણ કરવામાં આવશે. વધુમાં અહીં શરણાઈ અને ઢોલના તાલે પ્રાચીન રાસના રાઉન્ડ યોજાશે. આમ આવા ભવ્ય આયોજન પૂર્વે તમામ શહેરીજનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ આજે રાત્રે નહેરૂ ગેટ ચોક ખાતે ફ્લેશ મોબનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
નવરાત્રીને આવકારવા માટેના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. શરૂઆતમાં ખેલૈયાઓએ અહીં ઉપસ્થિત સૌ લોકોને પોતાના અવનવા ગરબા સ્ટેપ બતાવી મંત્રમુગ્ધ કર્યા હતા. બાદમાં આ ખેલૈયાઓનો ઉત્સાહ જોઈ બીજા અનેક લોકો પણ ગરબે ઘુમવા લાગ્યા હતા. અહીં ગરબાના ગીતો અને દેશભક્તિના ગીતો ઉપર મોટી સંખ્યામાં લોકોએ રમીને આનંદ વ્યક્ત કર્યો હતો.