બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં, ભાવનગર ખાતેથી ‘સમુદ્ર થી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના ૨૬,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત એનએચ-56 ના બિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની રકમના વિકાસ કાર્યની ઈ-તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે, ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે, નવા ચાર માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે. આ વિકાસશીલ પગલું નેત્રંગ તાલુકાની પ્રગતિની ગતિને વેગ આપશે. નેત્રંગથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી સ્થાનિક વેપાર-ધંધાને વેગ મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.
આ પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બિતાડા/મોવીથી નસારપોર વિભાગના 29.12 કીમીનો ચાર લેન પ્રોજેક્ટ અંદાજિત 764.02 કરોડની માતબર રકમથી નિર્માણ થશે. જેમાં મોવી ગામ નજીક 1.20 કિમીનું રીઅલાઈન્મેન્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ 25 નવા પુલોનું નિર્માણ થવાનું છે. વિવિધ ક્રોસ રોડ સ્થળોએ 3 નવા ફ્લાયઓવર બનાવવાના અને નેત્રંગ ચાર રસ્તા પાસે 800 મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે. સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશિર્વાદરૂપ બનશે તેમ કહ્યું હતું.
તેમને કહ્યું કે, કોઈપણ વિસ્તારના વિકાસ માટે મજબૂત અને સુદૃઢ માળખાગત સુવિધાએ પાયાનો પથ્થર છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વર્તમાનની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી, પરંતુ તે ભવિષ્યની પેઢી માટે એક સમૃદ્ધ અને પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરે છે. ત્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગરથી આપણા તાલુકા માટે માર્ગનો શિલાન્યાસ કરી આપણા વિસ્તારને ભેટ આપી છે. ત્યારે આ વિકાસકાર્યમાં આપણે સૌએ સહયોગ આપવો જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, સમૃદ્ધ ભારત, મજબુત ભારત બનાવવા માટે સમાજનો સહયોગ જરૂરી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત’ એ માત્ર એક સૂત્ર નથી, પરંતુ તે આપણા દેશની ભવ્ય સંસ્કૃતિ અને વિવિધતાનું પ્રતીક છે. આ ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરવા આપણે સૌ એક થઈને કામ કરવું પડશે. અમેરિકા, ચીન કે અન્ય વિકસિત દેશોની હરોળમાં ઊભા રહેવા માટે મજબૂત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત આવશ્યક છે. દરેક ક્ષેત્રમાં મજબૂત માળખાગત સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે.
હાલ, કરજણ નદી ઉપર આવેલો બ્રિજ અને ઢાઢર નદી પર આવેલા બ્રિજને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ નડી રહી છે પરંતુ ભારત સરકારમાં પ્રપોઝલ મૂકયું છે. આ બને સ્થળોએ ટૂંક સમયમાં નવા બ્રિજ બનાવવામાં આવશે.
વધુમાં તેમણે નેત્રંગ તાલુકાની વાત કરતાં તેમાં રહેલી અપાર ક્ષમતાઓના દાખલા આપ્યા હતા. અને ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં નેત્રંગ તાલુકો મોડલ તાલુકો બનવા જઈ રહ્યો છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધું વ્યવસ્થિત અને મજબૂત બનાવવા અથાગ મહેનત અને પ્રયત્નનો કરવા પડશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ પણ પ્રસંગને અનુરૂપ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે, ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા જિલ્લા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.