તા. ૨૬.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ એસીબીની સફળ ટ્રેપ કામગીરીમાં વનવિભાગના બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સક્રિય છે. તા. 26/09/2025ના રોજ દાહોદ એસીબી પોલીસ સ્ટેશનની ટીમે એક જાગૃત નાગરિકની ફરીયાદના આધારે ઝાલોદ તાલુકાના દાતગઢ ગામે સફળ ટ્રેપ યોજી વનવિભાગના બે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.ફરીયાદી તથા અન્ય 10 લોકો પશુઓને જંગલ ખાતાની જમીનમાં ચરાવવા જતા હતા, ત્યારે આરોપી નં. 1 સુરેશસિંહ દિલીપસિંહ બારડ (ઉંમર 31, બીટગાર્ડ વર્ગ-3) તથા આરોપી નં. 2 સુનીલભાઇ રવજીભાઇ પારગી (ઉંમર 45, રોજમદાર, બીનવર્ગીય) એ તેમને દંડ ભરાવવાના બહાના હેઠળ લાંચની માંગણી કરી હતી. શરૂઆતમાં દરેક વ્યક્તિ દીઠ રૂ. 2000/-ની માંગણી કર્યા બાદ અંતે કુલ રૂ. 11,000/- ની લાંચ લેવા આરોપીઓ સંમત થયા હતા.ફરીયાદી લાંચ આપવાની ઇચ્છા રાખતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ટ્રેપ દરમ્યાન આરોપી નં. 1એ ફરીયાદીને રૂ. 11,000/- આરોપી નં. 2ને આપવા જણાવ્યું. ત્યારબાદ આરોપી નં. 2એ ફરીયાદી પાસેથી રૂ. 11,000/- સ્વીકાર્યા અને આરોપી નં. 1 સાથે ફોન પર હેતુલક્ષી વાતચીત કરી. આ સમયે એસીબી ટીમે બંને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા.આ કાર્યવાહી શ્રી કે.વી. ડીંડોર, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી દાહોદના નેતૃત્વમાં તથા સુપરવિઝન અધિકારી શ્રી બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, એસીબી પંચમહાલ એકમ, ગોધરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.એસીબી ભ્રષ્ટાચાર સામે સતત કડક પગલાં લેતી રહી છે અને નાગરિકોને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા અનુરોધ કરે છે.