GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના ગણદેવી ખાતે મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને વિવિધ કામોના ખાતમુર્હત,લોકાર્પણ અને ભુલકા મેળો યોજાયો…

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના ગણદેવી કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટીગ તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુર્હત – લોકાર્પણ અને ભુલકા મેળો યોજાયો*

-*દક્ષિણ ગુજરાત એટલે દરેક રીતે સમૃધ્ધ વિસ્તાર :આપણે ત્યા પાણી છે પણ પાણીનું યોગ્ય આયોજન થાય તે જરૂરી છે.- જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ*

*નવસારી મહાનગરપાલીકા અને જિલ્લા વહિવટી તંત્રને સ્વચ્છતાકર્મીઓ માટે ફંડ ભેગુ કરી તેમાંથી વિવિધ લાભો સ્વચ્છતાકર્મીઓને મળે તેવું આયોજન કરવા જણાવતા જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ*

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોળી પટેલ સમાજની વાડી ખાતે જળસંચય જનભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટીગ તથા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કામોના ખાતમુર્હત – લોકાર્પણ, તેમજ પોષણ માહ નિમિતે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાનો કાર્યક્રમ ભારત સરકારના જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં જળસંચય જનભાગીદારી અંતર્ગત વિવિધ ગ્રાંટમાંથી કુલ 13.17 કરોડના જળસંચયના 1116 કામોના ઇ-ખાતમુહુર્ત અને 2.62 કરોડના 2007 કામોના ઇ-લોકાર્પણ, સ્વચ્છતા હી સેવા નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ-5.07 કરોડ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનના 2032 કામોના ઇ-ખાતમુહુર્ત તેમજ 1.86 કરોડના કુલ-532 કામોના ઇ-લોકાર્પણ કરાયું હતું. આ સાથે આઇસીડીએસ અંતર્ગત કુલ-89 લાખના ખર્ચે તૈયાર થયેલ 8 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલશ્રીના વરદ હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત એટલે દરેક રીતે સમૃધ્ધ વિસ્તાર પરંતુ યોગ્ય પ્લાનિંગના અભાવે અહિ પાણીની સમસ્યાઓ થાય છે. આપણે ત્યા પાણી છે પણ પાણીનું યોગ્ય આયોજન થાય તે જરૂરી છે. મનરેગા યોજના સહિત એનજીઓ જેવી વિવિધ સંસ્થાઓ અને તંત્રના સહયોગથી સમગ્ર રાજ્યમાં જળસંચયના અનેક સ્ટ્રક્ચરો બનાવ્યા છે જે સરાહનિય છે. વધુમાં તેમણે નાગરિકોને કેચ ધ રેઇન અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, કોઇ પણ અભિયાન નાગરિકોના સહકાર વગર સફળતા મેળવે તે શક્ય નથી. તેમણે દરેક ખેડુત પોતાના ખેતરમાં એક જળસંચયનું સ્ટ્રકચર બનાવે તે માટે આગ્રહ કર્યો હતો. વધુમાં તમણે સ્ટ્રકચર બનાવવાના ખર્ચ અંગે નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું. તેમણે સરકારશ્રી દ્વારા જળસંચયના કામો માટે ફાળવવામાં આવેલ ગ્રાંટ અંગે પણ જાણકારી આપી હતી. તેમણે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જળસંચયના સ્ટ્રક્ચરોની બનાવટ, કામની ગુણવત્તા અંગે તથા નવસારી જિલ્લાએ રાષ્ટ્રીય કક્ષાએ જળસંચયના કામો થકી 25 લાખની પ્રોત્સાહક ઇનામ જીત્યું છે એમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે મંત્રીશ્રીએ જિલ્લામાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે આંગણવાડી કાર્યકરોની કામગીરી તથા બાળકોના કૌશલ્ય વધારવા અને કુપોષણ દુર કરવા તંત્રના અભિયાનમા સહભાગી થવા બદલ સરાહના કરી હતી.

અંતે તેમણે સ્વચ્છતા સર્વેક્ષણમા સુરતને મળેલા પહેલા સ્થાન અને સુરતના નાગરિકો દ્વારા લગભગ 10 કરોડનું ફંડ ભેગુ કરવામાં આવ્યું છે એમ જણાવી નવસારી મહાનગરપાલીકા દ્વારા આવી પહેલ ઉપાડવામાં આવે અને 5 કરોડનું ફંડ ભેગુ કરી સ્વચ્છતાકર્મીઓને તેમાંથી વિવિધ લાભ મળે તેવું આયોજન કરવા જિલ્લા તંત્રને જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા સ્વચ્છતા શપથ તથા પોષણ અભિયાનની શપથ લેવામાં આવી હતી. આ સાથે પરિખ ફાઉન્ડેશન,વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં 350 જેટલા બોરવેલ રિચાર્જ કરી નવસારી જિલ્લામાં ભુગર્ભજળનું સ્તર ઉચું લાવવા અંગે પરિખ ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા જણાવાયું હતું.

આ ઉપરાંત ભૂલકાં મેળામાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ મનોરંજક કૃતિઓ મહાનુભાવો સમક્ષ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ ઉપરાંત વિવિધ થીમ પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવી બાળકોને રમત-ગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાની રચનાત્મક પ્રવૃત્તિઓ અંગે સ્ટોલ પ્રદર્શનની મુલાકાત મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિવિધ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન, જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીઓ, અલગ અલગ જિલ્લાથી ભુલકા મેળામાં સહભાગી થવા આવેલા આંગણવાડી વર્કર, બાળકો, વાલીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!