અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં IT વિભાગની સૌથી મોટી રેડ : ED ની પણ હવે એન્ટ્રી, 40 કલાકથી મોટુ સર્ચ ઓપરેશન યથાવત – કરોડો રૂપિયા જપ્ત કર્યા હોવાની માહિતી
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સર્ચ ઓપરેશનને 40 કલાકથી વધુ સમય વીતી ગયો છે છતાં પણ તપાસ યથાવત છે.
વિભાગની ટીમોએ શહેરના અગ્રણી બિલ્ડરો, વેપારીઓ અને જાણીતા ડૉક્ટરોના રહેણાંક મકાનો તેમજ ઑફિસો પર દરોડા પાડ્યા છે. મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલ એક નામચીન ડૉક્ટરના ઘર સહિત અનેક સ્થળોએ રેડ ચાલુ છે. બીજી તરફ મેઘરજ વિસ્તારમાં પણ IT વિભાગના ધામા જોવા મળી રહ્યા છે, જ્યાં સતત તપાસથી અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની શક્યતા છે.સૂત્રો અનુસાર, આ સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી સંભાવના છે. કામગીરી દરમિયાન કાળો નાણો, બિનહિસાબી સંપત્તિ તથા નકલી દસ્તાવેજો જેવા મુદ્દાઓને લઈને મોટા ખુલાસા થઈ શકે છે.આ અચાનક હાથ ધરાયેલા દરોડાઓને કારણે શહેરના વેપારીઓ અને અગ્રણીઓમાં ભારે ફફડાટનું વાતાવરણ સર્જાયું છે. લોકોમાં ચર્ચા છે કે આ કાર્યવાહી બાદ અનેક છુપાયેલી હકીકતો બહાર આવશે અને મોટો ભંડાફોડ થશે.આવકવેરા વિભાગ તરફથી સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક સ્તરે આ રેડને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.
અરવલ્લી જિલ્લામાં આયકર વિભાગની વિશાળ કાર્યવાહી હવે નવા વળાંક પર પહોંચી છે. છેલ્લા બે દિવસથી ચાલુ રહેલી આઈટીની તપાસ વચ્ચે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની એન્ટ્રી થતાં મોડાસા સહિત આખા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક બિલ્ડર અને ડોક્ટરોના નામે વિદેશમાં નાણાંની હેરફેર અને હવાલા ટ્રાન્ઝેક્શનના સંકેતો મળ્યા બાદ ઇડીની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. જેના કારણે મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય એજન્સીઓ છેલ્લા ૪૦ કલાકથી મેરેથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હજુ સુધી ડોક્ટરો અને બિલ્ડરોના રહેણાંક મકાન, ઓફિસો તથા સંબંધિત સ્થળોએ તપાસ યથાવત છે.મોડાસા શહેરમાં ઇડીની એન્ટ્રી બાદ વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સામાન્ય લોકોમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. આગામી કલાકોમાં તપાસમાંથી વધુ મોટા ખુલાસા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.આ મામલો હવે માત્ર આયકર વિભાગનો નહીં પરંતુ કેન્દ્રીય સ્તરે અનેક એજન્સીઓની સંયુક્ત કાર્યવાહી બની ગયો હોવાની સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે સમગ્ર અહેવાલ હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રજુ કરવામાં આવ્યો છે જેની પૃષ્ઠી વાત્સલ્યમ સમાચાર કરતુ નથી