GODHARAPANCHMAHAL

ગોધરા સ્થિત બાળગૃહના એક વર્ષીય બાળકને સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપત્તિ દ્વારા લેવામાં આવ્યું દત્તક

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

 

ગોધરાના બાળકને મળ્યો સ્વીડિશ પરિવારનો વાત્સલ્યસભર પ્રે

*એક વર્ષ ત્રણ માસ અગાઉ મહીસાગર જિલ્લાના ખેતરમાં ત્યજી દેવાયેલા બાળકને મળી સ્વીડિશ પરિવારની હૂંફ.*

 

 

પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે, ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળગૃહમાં આજે એક વર્ષ ત્રણ માસના બાળક આરવ (નામ બદલેલ છે)ને સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપતી હેન્સ માઈકલ અને લીના માર્ગરીટા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે, એક વર્ષ ત્રણ માસ અગાઉ આરવ નામનું બાળક મહીસાગર જિલ્લાના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવ્યું હતું ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈને થોડાક શબ્દો બોલતા પણ શીખ્યું છે.

ગોધરા ખાતે આજે બાળગૃહમાં સરકારી નિતી-નિયમો મુજબ દત્તક લેનાર સ્વીડિશ દંપતિ પૈકી માતા લીના માર્ગરીટા પણ વર્ષો અગાઉ તમિલનાડુના બાળગૃહમાંથી સ્વીડિશ પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા, આ ઘટનાથી પ્રેરાઈને તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા, જેને લઇને તેઓ અગાઉ પણ એક બાળક દત્તક લઈ ચૂક્યા છે અને આરવને દત્તક લેવા સાથે તેઓની વધુ એકવાર ઈચ્છા પૂરી થઈ છે.બાળકને પણ પોતાનો પરિવાર મળ્યો છે.

 

આ પ્રસંગે પિતા હેન્સ માઈકલે જણાવ્યું હતું કે કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર આરવનો ફોટો જોતાની સાથે તેમને અને તેમની પત્ની લીના માર્ગરીટાને બાળક સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ ડિસેબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે, સ્વીડિશ દંપતિને આ બાળક પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જે.એચ.લખારા દ્વારા સોંપવામાં આવી હતી. બાળકને સ્વીડિશ માતાપિતા મળતા બાળગૃહના તમામ લોકોમા ખુશી જોવા મળી હતી.

 

*બાળક દત્તક લેવાની પ્રક્રિયા શું છે?*

જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે, ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે. સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે તેના વિશેની માહિતી આપવામાં આવે છે. તદુપરાંત સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે કારા દ્વારા દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે, જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે. રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા બાદ દંપતિનું સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથેનું ડોઝિયર તૈયાર થાય છે. દંપતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તેમજ તેમનો હોમ સ્ટડી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ એડોપ્શન કમિટી દ્વારા દંપતીનો ઇન્ટરવ્યુ અને હોમ વિઝીટ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંતે એલિજિબલ થતા દંપતીને બાળક દત્તક લેવા માટેની માન્યતા મળે છે. આ માન્યતામાં પ્રથમ સ્તરે ફોસ્ટર કેર એટલે કે બાળકના પાલન- પોષણ માટેની માન્યતા મળે છે. ફોસ્ટર કેરની મંજૂરી બાદ બાળકને દત્તક લેવા માટેની પ્રક્રિયા કરી તપાસ બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બાળક દત્તક આપવાનો ઓર્ડર દંપતીને આપવામાં આવે છે.

*બાળક દત્તક કોણ લઈ શકે છે?*

કોઈ પણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે, જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળકને દત્તક લઈ શકે નહીં.

આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક પરિવારને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની રહે છે.

****

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!