AHAVADANG

ડાંગ જિલ્લાનાં ભાજપામાં ધીરે ધીરે બગાવતની મૌસમનો પગરવ ચાલુ થયો….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ 8 સભ્યો દ્વારા વિકાસકીય કામોને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે…..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં છેલ્લા બે ટર્મથી મહિલા સરપંચ તરીકે ભાજપાનાં હર્ષિદાબેન રમેશભાઈ ગાંગુર્ડા દબદબાભેર ચૂંટાઈ આવ્યા છે.ત્યારે આજરોજ ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતનાં આઠ સભ્યોમાં લતાબેન દેશમુખ,જ્યંતીભાઈ ગાવીત,રમેશભાઈ ચૌધરી, મનીષાબેન ઠાકરે, આશાબેન જાદવ,કપિલાબેન ગાંગોર્ડા,દિપકભાઈ ઠાકરે,બયનુબેન તુકારામભાઈનાઓએ ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ હર્ષિદાબેન ગાંગુર્ડા વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી આહવા સમક્ષ અવિશ્વાસનાં પ્રસ્તાવની દરખાસ્ત મૂકી જણાવ્યુ છે કે ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામો સમયસર થતા નથી,તથા સરપંચ દ્વારા સભ્યોનાં સૂચનો ધ્યાને લઇ કાર્યવાહી થતી નથી,સભ્યોને વિશ્વાસમાં લીધા વગર પંચાયતનાં કામો સરપંચ મનસ્વી રીતે કરી રહ્યા છે.વધુમાં સામાન્ય સભામાં કામોની નોંધ મહિલા સરપંચનાં પતિ દ્વારા મનમાની મુજબ કરવામાં આવે છે.જેથી આજરોજ સરપંચ અને તેના પતિથી વાજ આવીને 8 જેટલા સભ્યોએ ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દરખાસ્ત મુકતા ડાંગ જિલ્લાનાં રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.અત્રે નોંધનીય છે કે થોડાક સમય બાદ લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે.તેમજ ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પણ પૂર્ણ થવાનાં આરે આવીને ઉભી છે.ત્યારે સતા મેળવવા માટે અત્યારથી જ ડાંગ ભાજપામાં બગાવતની મૌસમનો પગરવ ચાલુ થતા ડાંગ જિલ્લાનાં ભાજપાનાં સંગઠન સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ત્યારે આવનાર દિવસોમાં ધવલીદોડ ગ્રૂપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સતા જાળવી રાખશે કે પછી બાગીઓ સતા ખેંચી લેશે જે સમય જ બતાવશે….

Back to top button
error: Content is protected !!