AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ખેડૂતોના માથે અણધારી આફત, ગુજરાતમાં માવઠાની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે રાજ્યમાં 16થી 19 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનું પ્રમાણ ઘટ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા,લાખણી,દાંતીવાડા,ડીસા સહિતના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી છે. તે ઉપરાંત જામનગર જિલ્લામાં લાલપુર, ભણગોર, ધરમપુર ગામમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. પાકની કાપણી સમયે જ વાતાવરણમાં ફેરફાર થવાની ધરતીપુત્રો પર મોટું સંકટ આવી પડ્યું છે. માવઠાની અસરથી તૈયાર પાક બગડી જાય તેની ખેડૂતોમાં ચિંતા પેઠી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 માર્ચે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 16 માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે.

17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. 18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે મંગળવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં વાદળીયું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં રાજ્યમાં ગરમીનો પારો 38 ડિગ્રી અને 7 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ રહેતા લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.  જેને કારણે 16 અને 17 માર્ચના રોજ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમી ઘટવાના સંકેત હવામાન વિભાગે દ્વારા પ્રાપ્ત થયા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!