NATIONAL

‘લોકશાહી મજબૂત રહે તે માટે મીડિયાનું સ્વતંત્ર રહેવું જરૂરી છે’ : સુપ્રિમ કોર્ટ

સુપ્રિમ કોર્ટે બુધવારે કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો, જેમાં સુરક્ષાના કારણોને લઇ મલયાલમ ન્યૂઝ ચેનલ ‘MediaOne’ના પ્રસારણ પર કેન્દ્રના નિર્ણયને સમર્થનમાં કેરળ હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, સરકારની ટીકા કોઈપણ મીડિયા/ટીવી ચેનલનું લાઇસન્સ રદ કરવા માટેનો આધાર હોઈ શકે નહીં. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેન્ચે કેન્દ્ર સરકારની  દલીલને ફગાવી દીધી હતી.

સુરક્ષા મંજૂરીની ગેરહાજરીમાં MediaOne ચેનલના પ્રસારણ લાયસન્સનું નવીકરણ કરવાનો માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો. અને કેરળ હાઇકોર્ટે પણ તેને સમર્થન આપ્યું હતું.  જેને ચેનલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી.

CJIની આગેવાની હેઠળની બેન્ચે આજે આ મામલે મહત્વનો નિર્ણય આપતા કહ્યું કે મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે. સરકારની નીતિઓની ટીકા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની વિચારની સ્વતંત્રતા પર અંકુશ લગાવી શકાય નહીં. કોઈપણ મીડિયા સંસ્થાના આલોચનાત્મક વિચારોને એસ્ટાબ્લિશમેન્ટ વિરોધી કહી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મીડિયાની ફરજ છે કે તે અધિકારીઓને સવાલ કરે અને નાગરિકોને તથ્યો જણાવે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની SC બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે સરકારને એવું સ્ટેન્ડ લેવાની મંજૂરી આપી શકાય નહીં કે પ્રેસે સરકારનું સમર્થન કરવું જોઈએ. કોઈપણ મીડિયા/ટીવી ચેનલનું લાઇસન્સ રદ કરવા માટે સરકારની ટીકા ક્યારેય આધાર બની શકે નહીં.

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે માત્ર ‘રાષ્ટ્રીય સુરક્ષા’ની વાત કરીને તમામ તમામ કન્ટેન્ટને  ગુપ્ત બનાવી શકાય નહીં. મીડિયા દ્વારા સરકારની નીતિઓની ટીકાને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં. સત્યને રજૂ કરવાની જવાબદારી મીડિયાની છે. લોકશાહી મજબૂત રહે તે માટે મીડિયાનું સ્વતંત્ર રહેવું જરૂરી છે. તેમની પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે તેઓ માત્ર સરકારનો પક્ષ રજૂ કરે. મીડિયા વન ચેનલ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને ફગાવીને SCએ આ ટિપ્પણી કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!