JETPURRAJKOT

રાજકોટના કોઠારીયા ગામની તિરુપતિ પ્રાથમિક શાળા ખાતે ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવી પ્રવેશ અપાવતાં મંત્રીશ્રી

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સમગ્ર ગુજરાત રાજયમાં ‘ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની..’ થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૮મી શૃંખલાનો પ્રારંભ કરાયો છે. ત્યારે રાજકોટ તાલુકાના કોઠારીયા ગામમાં આવેલી તિરુપતિ પ્રાથમિક શાળા ખાતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ભૂલકાંઓને કુમકુમ લગાવી, મોં મીઠું કરાવી પ્રવેશ અપાવ્યો હતો.

કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ પ્રવેશપાત્ર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા વર્ષ ર૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો હતો. શાળા પ્રવેશોત્સવ વખતે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ગામડાંઓની સરકારી શાળામાં જતા ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કરાવવા તેમજ દીકરીઓને શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન આપવા અંગે ભાર મૂકતા હતા. તેઓના પ્રયાસોના પરિણામે વિદ્યાર્થીઓનું શાળા છોડીને જવાના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

મંત્રીશ્રીએ વાલીઓને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે દીકરા-દીકરી એક સમાન છે. દીકરીઓ માત્ર એક નહીં, પરંતુ બે કુળને તારે છે. આથી, દીકરાઓની સાથે દીકરીઓને પણ શિક્ષણની તક આપી, તેઓને પણ તેમના સપનાં સાકાર કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ. દીકરીઓને મળેલી અભ્યાસની તકમાં અંતરાય ઊભો ન થાય, તેની ખાસ કાળજી રાખવી વાલીઓની નૈતિક ફરજ છે. તેમજ સરકારી શાળાઓ ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી રહી છે. ત્યારે વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખી, શિક્ષણને લગતી સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ.

શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ અંતર્ગત તિરુપતિ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૩૮ વિદ્યાર્થીઓ તથા ધો. ૧માં ૨૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ તકે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં શાળાની કામગીરી અને સમસ્યાઓની સમીક્ષા કરાઈ હતી. તેમજ મંત્રીશ્રીએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનુ પુસ્તક આપીને અભિવાદન કરાયું હતું. ભૂતપૂર્વ આચાર્યશ્રી પ્રવીણભાઈ નિમાવતે સ્વાગત પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.

આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, ઇન્ચાર્જ શાસનાધિકારીશ્રી નમ્રતાબેન મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઈ.આઇ.શ્રી સપનાબેન પરમાર, ઇન્ચાર્જ આચાર્યશ્રી મનીષાબેન મેઘનાથી સહિતના કોર્પોરેટરો, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!